ઉત્તર પ્રદેશના આગ્રાથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં ગુટખા ખાવાની આદતના કારણે પતિ-પત્નીના સંબંધ છૂટાછેડા થવાના આરે પહોંચી ગયા છે. મામલો ત્યારે વધુ બગડી ગયો, જ્યારે પત્નીએ પતિના ખિસ્સામાંથી ગુટખા ચોરીને ખાવાની આદત ન છોડી. પતિ દ્વારા વારંવાર ના પાડવા છતા પત્નીએ આ આદત ન છોડી. આ કારણે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. બંનેના લગ્ન 2022માં થયા હતા અને શરૂઆતમાં તેઓ ખુશીથી રહેતા હતા, તેમના 2 બાળકો પણ થયા. પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને તેને ખુટાખા ખાવાની આદત છે.
કામ પરથી આવ્યા બાદ તે ઘરમાં ગુટખા સ્ટોક કરીને રાખતો હતો. પત્નીએ પણ શરૂઆતમાં શોખ તરીકે ગુટખા ખાવાની શરૂઆત કરી, પરંતુ ધીરે ધીરે તે તેની આદત બની ગઇ. પત્નીએ પતિના ખિસ્સામાંથી ગુટખા કાઢીને ખાવાની શરૂઆત કરી દીધી, જેનાથી પતિ પરેશાન થઇ ગયો. બંને વચ્ચે આ વાતને લઇને ઝઘડો વધી ગયો અને પતિ ગુસ્સામાં આવીને પત્નીને પિયરમાં મૂકી આવ્યો. પિયર પહોંચ્યા બાદ પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી.
પોલીસે આ કેસને પરિવાર પરામર્શ કેન્દ્ર મોકલ્યો છે. કાઉન્સિલિંગ દરમિયાન પતિએ કહ્યું કે, પત્ની તેના ખિસ્સામાંથી ગુટખા ચોરી લે છે અને ના પાડવા છતા માનતી નથી. તો પત્નીએ જણાવ્યું કે, તે માત્ર થોડા ગુટખા કાઢીને ખાઇ લે છે. કાઉન્સિલર ડૉ. સતીશ ખિરવારે બંનેને ગુટખા છોડવાની સલાહ આપી અને સમજાવ્યા. અંતમાં બંનેએ ગુટખા ન ખાવાનો વાયદો કર્યો અને સમજૂતી કરી લીધી. એ સિવાય ડૉક્ટર સતીશ ખિરવારે જણાવ્યું કે તંબાકુ અને દારૂની આદત પરિવારોમાં ઝઘડાનું સૌથી મોટું કારણ બની રહી છે.
આ સંબંધમાં ડૉક્ટર સતીશ ખિરવારે જણાવ્યું કે, પતિ-પત્ની બંનેને બોલાવવામાં આવ્યા અને બંનેની વાત સાંભળવામાં આવી. પતિએ આરોપ લગાવ્યો કે પત્ની તેના ગુટખા ખાઇ જાય છે, જ્યારે પત્નીએ આરોપ લગાવ્યો કે તેને ગુટખા ખાવાની આદત પતિએ જ પાડી છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ કાઉન્સિલરે પતિ-પત્નીને ગુટખનો ઉપયોગ ન કરવાની સલાહ આપી. તેમણે પતિ-પત્નીને ગુટખાથી થતા નુકસાન બાબતે પણ જણાવ્યું. કાઉન્સિલિંગ બાદ બંને વચ્ચે સમજૂતી થઇ ગઇ અને બંને ખુશીથી પોતાના ઘરે જતા રહ્યા.