મહિલા T20 વર્લ્ડ કપ 2024નો ઉત્સાહ ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં મળેલી હાર પછી પુનરાગમન કર્યું હતું અને પાકિસ્તાનને હરાવીને પોતાનું ખાતું ખોલ્યું હતું. જોકે, ભારત માટે અત્યારે સેમીફાઈનલમાં પહોંચવું આસાન નથી. ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવું હજુ પણ ઘણું મુશ્કેલ છે. મંગળવારે (8 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. તમામની નજર આ મેચ પર હશે.
રસપ્રદ વાત એ છે કે, આજે ભારતીય ટીમ એ જ ટીમને સપોર્ટ કરતી જોવા મળશે જેની સામે તે પહેલી મેચમાં હારી હતી. સેમિફાઇનલમાં પહોંચવા માટે કિવી ટીમને જીતની જરૂર છે. હકીકતમાં, જો ભારતીય ટીમ મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં તેની બાકીની મેચો જીતી લે તો પણ સેમિફાઇનલમાં પહોંચવાની કોઈ ગેરંટી નથી. આવા સમીકરણ પાછળનું મુખ્ય કારણ ટીમનો નબળો નેટ રન રેટ -1.217 છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ટુર્નામેન્ટમાં ટોચના ફોર્મમાં છે, તેમનો નેટ રન રેટ અનુક્રમે +1.908 અને +2.900 છે. ભારત પહેલા જ ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરી ચુક્યું છે. જો ઓસ્ટ્રેલિયન ટીમ હારી જાય તો ટીમ ઈન્ડિયાની આશાઓ વધી જશે. આ પછી ભારતે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે તેની બાકીની બે મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં સેમિફાઇનલમાં જવાની આશા વધી જશે.
ધારો કે, ન્યુઝીલેન્ડ તેની બાકીની મેચો જીતી લે તો તે 4 મેચમાં 4 જીત સાથે ગ્રુપમાં પ્રથમ રહેશે. ઓસ્ટ્રેલિયા પછી ન્યૂઝીલેન્ડે શ્રીલંકા અને પાકિસ્તાન સામે રમવાનું છે. ન્યુઝીલેન્ડની 4 જીત ભારત માટે માર્ગ ખોલશે. તે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વોલિફાય કરી શકે છે.
જો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડને હરાવશે તો ભારતની ક્વોલિફાય થવાની તકો પર મોટો ફટકો પડશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંને નેટ રન રેટમાં ભારત કરતા સારા છે. હરમનપ્રીતની ટીમને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થવા માટે કેટલાક અપસેટની જરૂર પડશે.