કથાવાંચક અનિરુદ્ધાચાર્યએ માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમની પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સના છૂટાછેડા પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આજે જુઓ મોટા મોટા ડૉક્ટર્સ છે, મોટા મોટા જજ છે, મોટા મોટા એન્જિનિયર છે, મોટા મોટા એડવોકેટ છે. ભણેલો-ગણેલો સમાજ છે. આ લોકો ખૂબ સારી રીતે વેપાર તો કરી શકે છે. ખૂબ સુંદર બિઝનેસ તો કરી શકે છે, પરંતુ એજ લોકો પોતાનો પરિવાર ચલાવી શકતા નથી. પોતાની પત્નીને ખુશ રાખી શકતા નથી. પોતાના બાળકોને યોગ્ય રસ્તો દેખાડી શકતા નથી.
અનિરુદ્ધાચાર્યએ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના પૉડકાસ્ટમાં કહ્યું હતું કે, હું એક નાનકડું ઉદાહરણ આપું છું બિલ ગેટ્સનું. બિલ બેટ્સ જેવા સફળ વેપારી ધરતી પર કોણ હશે? સફળ બિઝનેસમેન કોણ હશે? તેમણે વેપાર કરવાનું તો શીખી લીધું, પરંતુ પરિવાર ચલાવવાનું ન શીખી શક્યા. એટલે 27 વર્ષ બાદ બિલ ગેટ્સની પત્નીએ તેમને છૂટાછેડા આપી દીધા. અનિરુદ્ધાચાર્યએ પોતાની વાત સમજાવતા વધુમાં કહ્યું કે, પરિવાર ચલાવવો અલગ છે અને વેપાર ચલાવવો અલગ.
તેમણે કહ્યું કે, પૈસા હોવા જોઇએ. પૈસા ખરાબ નથી, પરંતુ પૈસાથી વધુ મહત્ત્વ પરિવારને આપવું જોઇએ. પરિવારને સૌથી ઉપર રાખવો જોઇએ. જો પત્ની, પુત્ર અને માતા-પિતા ખુશ રહેશ તો પૈસા ઓટોમેટિક આવી જશે. જરૂરિયાતના સમયે પૈસા કામ આવે છે, પરંતુ જે વસ્તુ પૈસા પણ કરી શકતા નથી એ પરિવાર કરી દે છે. એટલે તેનું મહત્ત્વ પૈસાથી ખૂબ વધારે છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બિગ બોસ 18ના પ્રીમિયર પર પહોંચેલા અનિરુદ્ધાચાર્ય મહારાજને જોઇને લોકો ખૂબ હેરાન થયા હતા. તેના માટે તેમને સોશિયલ મીડિયા પર ખૂબ નિંદાનો સામનો કરવો પડ્યો હતો. અનિરુદ્ધાચાર્ય મહારાજની જોરદાર ફેન ફોલોઇંગ છે, પરંતુ તેમને આ શૉમાં જોઇને ઘણાના મનમાં દુઃખ થયું હશે. જ્યારે તેમણે અગાઉ પોતે આ શૉ માટે ખરું-ખોટું કહ્યું હતું. આખરે આ શૉમાં જવા માટે તેમણે પોતાના અનુયાયીઓ પાસે માફી માગી લીધી છે.