ભારતીય ટીમ આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમાશે. કેપ્ટન રોહિત શર્મા આ સીરિઝની પહેલી મેચ છોડી શકે છે. રિપોર્ટ મુજબ, રોહિત અંગત કારણોસર પહેલી મેચમાંથી હટી શકે છે, પરંતુ એ અત્યારે નક્કી નથી. તે પારિવારિક કારણોસર પહેલી મેચ છોડવાનો નિર્ણય લઇ શકે છે. ભારતીય ટીમ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમશે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, રોહિત શર્મા પહેલી ટેસ્ટ છોડી શકે છે. તેના પર એક મહત્ત્વની જાણકારી સામે આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ જાણકારી આપી છે કે અત્યારે તેના પર સ્પષ્ટ જાણકારી મળી નથી. આ પરિસ્થિતિઓ પર નિર્ભર કરશે. જો કે, રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને તેની જાણકારી આપી દીધી છે. તે એક કે બે મેચ છોડી શકે છે. જો બધુ બરાબર રહ્યું તો રોહિત શર્મા બધી મેચ પણ રમી શકે છે.
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 22 નવેમ્બરથી 3 જાન્યુઆરી સુધી 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે, પરંતુ એ અગાઉ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમવા મેદાન પર ઉતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ બેંગ્લોરમાં 16 ઓક્ટોબરથી રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પૂણેમાં રમશે. ત્રીજી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઇમાં આયોજિત થશે.
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમ્યા બાદ જ સિલેક્શન પર ફોકસ કરશે. જો રાહુલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમ્યો અને સારું પ્રદર્શન કર્યું તો તે ઓસ્ટ્રેલિયા પણ જઇ શકે છે. કે.એલ. રાહુલ અનુભવી ખેલાડી છે અને તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રોહિતની ગેરહાજરીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. ભારતીય ટીમ અભિમન્યુ ઇશ્વરનના નામ પર પણ વિચાર કરી શકે છે. તે ફોર્મમાં છે અને ઘણા અવસર પર શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે.