કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી અને પોતાના નિવેદનોથી હંમેશા લાઈમલાઈટ અને ફ્લેશલાઈટમાં રહેતા બિહારના ફાયર બ્રાન્ડ લીડર ગિરિરાજ સિંહે ફરી એકવાર મોટું નિવેદન આપીને બિહારના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આ વખતે ગિરિરાજ સિંહે પોતાનું અંગત દર્દ પણ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, તેમને અફસોસ છે કે તેઓ અત્યાર સુધી સંપૂર્ણ હિંદુ બની શક્યા નથી. અન્ય નેતાઓની જેમ ચૂંટણીમાં દરેક જાતિ અને ધર્મના લોકો પાસેથી વોટ મેળવવાની ઈચ્છા રાખનારા ગિરિરાજ સિંહ બોલતી વખતે ભાવુક થઈ ગયા અને 77 વર્ષ જૂનું એક ઉદાહરણ આપ્યું હતું.
મુઝફ્ફરપુરમાં ગિરિરાજ સિંહે પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતું કે, ‘હું સંપૂર્ણ હિંદુ ન બની શક્યો. સત્તા માટે હિન્દુસ્તાન-પાકિસ્તાન બનાવવામાં આવ્યું હતું. એનાથી હું ખુબ દુઃખી છું. જો હું મુસ્લિમોના વોટ લઉં તો હું તેમના માટે પણ કલ્યાણ અને વિકાસના કામ કરવા માંગુ છું. આવી સ્થિતિમાં, કિશનગંજથી લડવાની મારી ખૂબ ઈચ્છા હતી, ભલે ત્યાંથી મારી ડિપોઝીટ જપ્ત થઈ જાય તો પણ.’
ગિરિરાજ સિંહે વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કરતા રહે છે. તાજેતરમાં જ ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ દ્વારા ખાલી કરાયેલા સરકારી બંગલામાંથી વસ્તુઓ ગુમ હોવાના આક્ષેપો વચ્ચે, કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે સોમવારે બંગલા પર ખર્ચવામાં આવેલી રકમની તપાસની માંગ કરી હતી. બિહારના બેગુસરાય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગિરિરાજ સિંહે કહ્યું, ‘રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ માટે આટલું નિમ્નસ્તરનું વર્તન યોગ્ય નથી. તેજસ્વી યાદવના બંગલામાં કેટલા પૈસા ખર્ચાયા તેની તપાસ કરવા માટે એક તપાસ સમિતિની રચના કરવી જોઈએ અને કથિત ચોરીનો કેસ નોંધવો જોઈએ.’ ગિરિરાજ સિંહનું આ નિવેદન બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) દ્વારા તાજેતરમાં જ તેજસ્વી યાદવ દ્વારા ખાલી કરાયેલા બંગલામાંથી માલસામાનની ચોરીના આરોપ પછી આવ્યું છે.
તેજસ્વીને આ બંગલો ત્યારે ફાળવવામાં આવ્યો હતો, જ્યારે તેઓ રાજ્યના DyCM હતા. આરોપો પર વળતો પ્રહાર કરતા, રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ કહ્યું કે NDA તેજસ્વી યાદવ અને તેમના પિતા લાલુ પ્રસાદ યાદવને નોકરી માટેના જમીન ‘કૌભાંડ’માં દિલ્હીની કોર્ટમાંથી જામીન મળવા પર હતાશા વ્યક્ત કરી રહ્યું છે.