ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી આવતા મહિને યોજાશે. મેગા ઓક્શન પહેલા BCCIએ રિટેન્શનને લઈને નિયમો બહાર પાડ્યા છે. ફ્રેન્ચાઇઝીએ 31 ઓક્ટોબર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. મેગા ઓક્શન પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માનું ભવિષ્ય અટવાઈ રહ્યું છે. IPLની છેલ્લી સિઝનમાં તેણે કેપ્ટનશિપ ગુમાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે.
આ વખતે મેગા ઓક્શન પહેલા તમામ 10 ટીમો વધુમાં વધુ છ ખેલાડીઓને રિટેન કરી શકશે. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રોહિત શર્માને રિટેન કરશે કે નહીં. તાજેતરના અહેવાલો અનુસાર, મુંબઈ ફ્રેન્ચાઇઝી રોહિતને જાળવી રાખવાની નથી. આવી સ્થિતિમાં, ઘણી ટીમોએ તેને લઈને યોજના બનાવી છે. આમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું નામ સામે આવ્યું છે.
જ્યારે ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને તેની યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલી અને રોહિત શર્માને એક જ ટીમમાં રમવા વિશે પૂછવામાં આવ્યું, તો તેણે મજાકિયા જવાબ આપ્યો. અશ્વિને કહ્યું કે RCBએ મેગા ઓક્શનમાં રોહિત માટે ઓછામાં ઓછા 20 કરોડ રૂપિયા રાખવા પડશે. તેણે કહ્યું, ‘જો તમે રોહિત શર્માને સાઈન કરવા ઈચ્છો છો તો તમારે 20 કરોડ રૂપિયા રાખવા પડશે.’
IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. હાર્દિક તેની બે સીઝન પહેલા મુંબઈ છોડીને ગુજરાત ગયો હતો. ત્યાં તેણે કેપ્ટનશિપ કરી અને પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું. ત્યાર પછીની સિઝનમાં તે ટીમ ફાઇનલમાં પહોંચી હતી. હાર્દિકનું પ્રદર્શન જોઈને મુંબઈએ તેને પોતાની ટીમમાં પરત લાવવાનું પગલું ભર્યું હતું. આ માટે 5 વખતના ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને પણ કેપ્ટન્સીથી હટાવી દેવામાં આવ્યો હતો. હાર્દિકની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગયું હતું.
BCCI દ્વારા વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી રાખવાની છૂટ આપવામાં આવી છે. આમાં રાઈટ-ટુ-મેચ (RTM કાર્ડ) પણ સામેલ છે. આ જોતાં આગામી મહિનાઓમાં કેટલાક મુશ્કેલ નિર્ણયો આવવાની ધારણા છે. 6 રીટેન્શન/RTMમાં મહત્તમ 5 કેપ્ડ પ્લેયર્સ (ભારતીય અને વિદેશી) અને વધુમાં વધુ 2 અનકેપ્ડ પ્લેયર્સ હોઈ શકે છે. રોહિત 2011 IPL પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો. તેણે ટીમને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવી હતી. બીજી તરફ RCB ટીમ અત્યાર સુધી એક પણ ટાઇટલ જીતી શકી નથી. તેને એવા કેપ્ટનની જરૂર છે, જે ટીમને ચેમ્પિયન બનાવી શકે. આવી સ્થિતિમાં જો રોહિત મેગા ઓક્શનમાં આવે છે તો તે ફ્રેન્ચાઈઝી માટે વધુ સારો વિકલ્પ બની શકે છે.