સરકારી શાળાઓમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બિહાર સરકારના શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ કોઈપણ સંસ્થાના પ્રતિનિધિઓને પરવાનગી લીધા વિના શાળા પરિસરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. બિહાર શિક્ષણ વિભાગના સહ-અધિક સચિવ સુબોધ કુમાર ચૌધરીએ એક પત્ર મોકલ્યો છે. જેમાં સરકારી શાળાઓમાં મીડિયાનો પ્રવેશ રોકવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
સહ-અધિક સચિવ સુબોધ કુમાર ચૌધરીએ બહાર પડેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વિભાગીય આદેશ વિના ઘણી સંસ્થાઓના પ્રતિનિધિઓ માઈક, કેમેરા અને અન્ય સાધનો સાથે શાળાના કેમ્પસમાં પ્રવેશ કરે છે. જેના કારણે બાળકોનું ભણતર ખોરવાય છે. આ ઉપરાંત, આવી દખલગીરી શાળાની નિયમિત પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પાડે છે. આ વિક્ષેપ વિદ્યાર્થીઓની શીખવાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે. જેના કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. તેથી સરકારી શાળાઓમાં અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે સરકારી શાળાના શિક્ષકોને મીડિયા સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માત્ર પ્રિન્સિપાલને જ પ્રેસ બ્રીફિંગ માટે અધિકૃત કરવામાં આવશે. અન્ય કોઈ શિક્ષકો મીડિયા સાથે વાત કરશે નહીં.
બિહારમાં સરકારી શાળાઓના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. જેમાં મીડિયાકર્મીઓ માઈક સાથે શાળામાં પ્રવેશ કરે છે. આમાંથી ઘણા યુટ્યુબર સરકારી શાળાઓની નબળી વ્યવસ્થા દર્શાવે છે. ઘણા લોકો શિક્ષકો અને વિદ્યાર્થીઓને સવાલ જવાબો પૂછતા જોવા મળે છે. ઘણી વખત શિક્ષકો અને વિદ્યાર્થીઓ સામાન્ય પ્રશ્નોના જવાબ પણ આપી શકતા નથી. જેના કારણે પ્રશાસન અને બિહાર સરકારની ઘણી બદનામી થતી હતી. બિહાર સરકારના આ નિર્ણયને શરમથી બચવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, બિહારની સરકારી શાળાઓમાં અનિયમિતતા અને અરાજકતા સતત સામે આવી રહી છે. આને ઠીક કરવાને બદલે શિક્ષણ વિભાગે શાળાની અંદર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. આનું કારણ એ છે કે મીડિયા અથવા કોઈપણ સંસ્થાની શાળાની આવી વારંવાર મુલાકાતોથી શિક્ષણ અને અધ્યયનને ઘણી અસર થાય છે.
આ પગલાનો ઉદ્દેશ્ય શાળાઓમાં વ્યવસ્થા જાળવવાનો અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોવાનું કહેવાય છે. જો કે, ઘણા નિષ્ણાતો માને છે કે, મીડિયા પર પ્રતિબંધ મૂકવાથી શિક્ષણ પ્રણાલીની ખામીઓ અને સમસ્યાઓ હલ નહીં થાય. આ નિર્ણય પાછળના કારણો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, ખાસ કરીને શું આ નિર્ણય વાસ્તવિક સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવા માટે લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય પર શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, જ્યારે કેટલાક લોકો તેને સકારાત્મક માને છે તો કેટલાક લોકો તેને સ્વતંત્રતાના ઉલ્લંઘન તરીકે જોઈ રહ્યા છે.