તમિલનાડુના CM MK સ્ટાલિને રાજ્યપાલ RN રવિ પર તમિલનાડુ અને તમિલ ભાષાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે રાજ્યના ગીત ‘તમિલ થાઈ વઝ્થુ’ માંથી એક પંક્તિને બાદ કરવા બદલ રાજ્યપાલ RN રવિ પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રમાંથી RN રવિને તાત્કાલિક હટાવવાની પણ માગણી કરી. જોકે, રાજ્યપાલ કાર્યાલય દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. ગવર્નરે કહ્યું કે, CM સ્ટાલિને તેમની વિરુદ્ધ ‘ખેદજનક નિવેદનો’ કર્યા અને તેમને ‘જાતિવાદી’ કહ્યા. જ્યારે, આ સમગ્ર વિવાદ પર તમિલનાડુ દૂરદર્શન અને રાજ્યપાલના મીડિયા સલાહકાર તરફથી પણ સ્પષ્ટતા આવી છે.
18મી ઓક્ટોબરે દૂરદર્શન ચેન્નાઈના કાર્યાલય ખાતે હિન્દી મહિનાના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. RN રવિ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય ગીત ‘તમિલ થાઈ વઝ્થુ’ ગાવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, આ સમય દરમિયાન, ‘થેક્કનમમ અધીરસિરંધા દ્રવિડ નાલ થિરુનાડુમ’ પંક્તિ, જે દ્રવિડ ભૂમિની મહાનતાનો ઉલ્લેખ કરે છે, દૂર કરવામાં આવી હતી. CM MK સ્ટાલિને આ અંગે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા. CM MK સ્ટાલિને એક્સ પર તમિલ ભાષામાં એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જે વ્યક્તિ કાયદાનું પાલન નથી કરતી અને પોતાની મરજી મુજબ કામ કરે છે તે તે પદ પર રહેવા માટે લાયક નથી. ભારતની ઉજવણીની આડમાં રાજ્યપાલ દેશની એકતા અને આ ધરતી પર વસતા વિવિધ જાતિના લોકોનું અપમાન કરી રહ્યા છે. શું દ્રવિડની એલર્જીથી પીડિત રાજ્યપાલ રાષ્ટ્રગીતમાંથી દ્રવિડ શબ્દ હટાવવા માટે કહેશે? કેન્દ્ર સરકારે તાત્કાલિક રાજ્યપાલને પાછા બોલાવવા જોઈએ, જેઓ જાણીજોઈને તમિલનાડુ અને રાજ્યના લોકોની ભાવનાઓનું અપમાન કરી રહ્યા છે.’
ત્યારપછી તમિલનાડુના રાજભવન તરફથી આ અંગે નિવેદન આવ્યું હતું. જેમાં ગવર્નર RN રવિનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું હતું કે, ‘તેમણે (CM સ્ટાલિને) મારી વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરી અને મારા પર ‘તમિલ થાઈ વઝ્થુ’ પ્રત્યે અનાદર દર્શાવવાનો ખોટો આરોપ લગાવ્યો. તેઓ સારી રીતે જાણે છે કે, હું દરેક કાર્યક્રમમાં આખું રાજ્યગીત વાંચું છું અને આદર, ગૌરવ અને ચોકસાઈથી વાંચું છું.’
ગવર્નરે વધુમાં કહ્યું કે, CM સ્ટાલિને તેમની વિરુદ્ધ ‘ખેદજનક નિવેદનો’ કર્યા અને તેમને ‘જાતિવાદી’ કહ્યા.
CM સ્ટાલિને આના પર ફરીથી પ્રતિક્રિયા આપી, તેમણે કહ્યું, તમારે (રાજ્યપાલ) તરત જ તેમની નિંદા ન કરવી જોઈએ? તમે આ કેમ ન કર્યું? તમે સ્થળ પર જ ભૂલ દર્શાવી શક્યા હોત! શું તમે તેમને યોગ્ય રીતે ગાવાનું શીખવી શકશો? જો તમે આ કર્યું હોત, તો શું કોઈ પ્રતિક્રિયા હોત?’
આ અંગે રાજ્યપાલના મીડિયા સલાહકાર થીરુગનાના સંબંદમે પણ એક્સ પર પોસ્ટ કર્યું, તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘કાર્યક્રમની શરૂઆતમાં, રાજ્યગીતનું પઠન કરતી મંડળીએ અજાણતામાં ‘દ્રવિડિયન’ શબ્દનો સમાવેશ કરતી એક લીટી કાઢી નાખી હતી. આ બાબત તરત જ આયોજકોના ધ્યાન પર લાવવામાં આવી હતી અને યોગ્ય અધિકારીઓને આ બાબતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાજ્યપાલ RN રવિએ માત્ર આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યગીતમાંથી ‘દ્રવિડિયન’ શબ્દ હટાવવામાં તેમની કોઈ ભૂમિકા નહોતી. તે તમિલ અને રાજ્યની ભાવનાઓનું ખૂબ સન્માન કરે છે.’
આ દરમિયાન, સરકારી માલિકીના જાહેર પ્રસારણકર્તા દૂરદર્શને પણ એક સ્પષ્ટતા બહાર પાડીને ‘અજાણતા ભૂલ’ માટે માફી માંગી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમિલનાડુના માનનીય રાજ્યપાલ RN રવિએ દૂરદર્શન ચેન્નાઈ દ્વારા આયોજિત હિન્દી મહિના અને સુવર્ણ જયંતિની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. ‘તમિલ થાઈ વઝ્થુ’ની રજૂઆત દરમિયાન વિક્ષેપને કારણે, અજાણતામાં એક લીટી ચૂકાઈ ગઈ હતી. અજાણતા થયેલી ભૂલ બદલ અમે માફી માગીએ છીએ. ગાયકોનો તમિલ અથવા તમિલ થાઈ વઝ્થુનો અનાદર કરવાનો કોઈ ઈરાદો નહોતો. આ સંબંધમાં તમિલનાડુના માનનીય રાજ્યપાલને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.’
આ પહેલા CM MK સ્ટાલિને PM નરેન્દ્ર મોદીને બિન-હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી ભાષાના કાર્યક્રમોને ટાળવા પણ કહ્યું હતું.