ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં કિવી ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. તેણે 36 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લી જીત 1988માં જ્હોન રાઈટની કપ્તાની હેઠળ જીતી હતી. ન્યૂઝીલેન્ડે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ હવે 24મી ઓક્ટોબરે પુણેમાં શરૂ થશે.
બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા આશ્ચર્યજનક રીતે પ્રથમ દાવમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવમાં 356 રનની લીડ મેળવી હતી. ભારતે બીજા દાવમાં શાનદાર પુનરાગમન કર્યું અને 460 રન બનાવ્યા અને મેચમાં 106 રનની લીડ મેળવી. જો કે, તે મોટી લીડ ન હતી. ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેણે 2 વિકેટે 110 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શરમજનક બેટિંગ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેને આશા નહોતી કે, ટીમ 46 રનમાં સમેટાઈ જશે. રોહિતે કહ્યું, ‘બીજી ઇનિંગમાં બેટથી સારું પ્રદર્શન કર્યું. અમે પ્રથમ દાવમાં સારી બેટિંગ કરી શક્યા ન હતા. તે અનપેક્ષિત હતું. તેથી અમને ખબર હતી કે શું થવાનું છે અને કેટલાક ખેલાડીઓ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે તમે 350 રનથી પાછળ હોવ ત્યારે તમે તેના વિશે વધુ વિચારી શકતા નથી, તમારે ફક્ત બોલ અને બેટિંગ પર ધ્યાન આપવું પડતું હોય છે. કેટલીક ભાગીદારી જોવી ખરેખર રોમાંચક હતી. અમે સરળતાથી સસ્તામાં આઉટ થઈ શક્યા હોત, પરંતુ અમને અમારા પ્રયાસ પર ગર્વ છે.’
જ્યારે રીષભ પંત અને સરફરાઝ ખાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે રોહિતે કહ્યું, “જ્યારે બંને બેટિંગ કરે છે, ત્યારે દરેક સીટની કિનારે હોય છે. રિષભે કેટલાક બોલ છોડી દીધા અને પછી શોટ રમ્યા. સરફરાઝે પણ ઘણી પરિપક્વતા દેખાડી. મેં મારી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમે જાણતા હતા કે શરૂઆતમાં તે મુશ્કેલ હશે, પરંતુ અમને 46 રનમાં આઉટ થવાની આશા નહોતી. ન્યુઝીલેન્ડે સારી બોલિંગ કરી અને અમે જવાબ આપવામાં નિષ્ફળ ગયા. મેં બીજા દિવસ પછી મારી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમને ખબર હતી કે શરૂઆતમાં હવામાન કેવું રહેશે અને વાદળ છવાયેલા રહેશે, પરંતુ અમને 50 રનથી ઓછા રનમાં આઉટ થવાની આશા નહોતી રાખી. ન્યુઝીલેન્ડે ખૂબ જ સારી બોલિંગ કરી અને અમારા બેટના દરેક ખૂણાને પડકાર્યો, પરંતુ અમે તેનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા. આવું તો રમતોમાં બનતું રહેતું હોય છે. અમે તેને હકારાત્મકતામાં લઈશું અને આગળ વધીશું.’
રોહિતે પુનરાગમન પર કહ્યું, ‘આવી મેચો થતી રહે છે. અમે આગળ વધીશું. અમે ઈંગ્લેન્ડ સામે એક મેચ હારી અને પછી ચાર મેચ જીતી. અમે જાણીએ છીએ કે, અમારામાંથી દરેક પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે.’ ભારતીય ટીમ અગાઉ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ મેચ હારી ગઈ હતી. ત્યાર પછી તેમણે જોરદાર વાપસી કરી અને શ્રેણી જીતી લીધી. રોહિતને આશા છે કે, ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા પછી ટીમ આવી જ રીતે પુનરાગમન કરશે. ભારતે 2012થી તેના હોમ ગ્રાઉન્ડ પર એકપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. ત્યારથી ટીમે સતત 18 ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે.