fbpx

CJI પહેલા 41 વર્ષ અગાઉ ન્યાયદેવીની પ્રતિમામાં ફેરફાર થયો હતો,જાણો કોણે અને ક્યાં

Spread the love

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડના આદેશ પર કોર્ટમાં દેખાતી ‘જસ્ટિસની દેવી’ની પ્રતિમામાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ ફેરફારોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. મૂર્તિના વસ્ત્રો બદલવામાં આવ્યા છે. પહેલા તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી, પરંતુ હવે તે ખુલી ગઈ છે. હાથમાં તલવારની જગ્યાએ બંધારણ મૂકવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો, તલવારથી બંધારણમાં આ પરિવર્તન રાજસ્થાનના જયપુરમાં 41 વર્ષ પહેલા શરૂ થયું હતું. જયપુરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ન્યાય દેવીની પ્રતિમામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફાર કોર્ટના પૂર્વ ન્યાયિક મેજિસ્ટ્રેટ પદમ કુમાર જૈન દ્વારા કરાવવામાં આવ્યો હતો.

ન્યાયની દેવીની પ્રતિમાની ડિઝાઇનને ‘ન્યાયના નવા યુગ’ની શરૂઆત તરીકે ભલે જોવામાં આવી રહી હોય, પરંતુ જયપુરે 41 વર્ષ પહેલા 26 એપ્રિલ 1983ના રોજ તેની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં આ જ પ્રકારના ફેરફાર લાગુ કર્યા હતા. આ ફેરફાર હેઠળ પ્રતિમાના એક હાથમાં તલવારની જગ્યાએ બંધારણ મૂકવામાં આવ્યું હતું, પરંતુ આંખે પટ્ટી યથાવત રાખવામાં આવી હતી.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, કોર્ટના તત્કાલિન ન્યાયિક મેજિસ્ટ્રેટ પદમ કુમાર જૈન દ્વારા પ્રતિમામાં આ ફેરફાર કરાવવામાં આવ્યો હતો. જૈન પ્રતિમાની સ્થાપના માટે અધિકૃત નિર્ણય લેતી સંસ્થાનો ભાગ હતા. ત્યારે તલવારની જગ્યાએ બંધારણની નકલ લાવવાના પગલાએ ભારે ચર્ચા જગાવી હતી. કેટલાક લોકોએ દલીલ કરી હતી કે, ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર, ન્યાયની દેવી પાસે તલવાર હોવી જોઈએ. આ દલીલ અંગે જૈને કહ્યું છે કે, ‘આના પર મેં દલીલ કરી હતી કે ન્યાયની દેવી માત્ર લોકોને સજા જ નથી કરતી, પણ તેમને નિર્દોષ પણ છોડે છે.’

તેઓ કહે છે કે, દેવીએ કયું પુસ્તક રાખવું જોઈએ તેના પર બીજી ચર્ચા હતી, કારણ કે ભારતમાં અદાલતો સિવિલ અને ફોજદારી કેસ માટે અલગ અલગ કોડનું પાલન કરે છે. ભૂતપૂર્વ ન્યાયાધીશોની વેલ્ફેર સોસાયટીના વર્તમાન પ્રમુખ જૈને જણાવ્યું હતું કે, ‘આખરે નિર્ણય લેવામાં આવ્યો કે, ન્યાયની દેવીએ ભારતીય બંધારણનું પ્રતિનિધિત્વ કરતું પુસ્તક રાખવું જોઈએ, કારણ કે આ મૂળભૂત દસ્તાવેજ પર અદાલતોની સ્થાપના કરવામાં આવી છે.’

જૈનને તેમના PHD પર કામ કરતી વખતે ન્યાયની દેવીને ફરીથી બનાવવાની પ્રેરણા મળી. તે સમયે, તેની નજર રોમન પૌરાણિક પાત્ર ‘જસ્ટીટિયા’ પર પડી, જેણે એક હાથમાં ત્રાજવું અને બીજા હાથમાં તલવાર પકડેલી હતી અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી. તેમનું માનવું હતું કે, ન્યાયની દેવી માટે તલવાર પકડવી એ અયોગ્ય છે, કારણ કે ન્યાયાધીશો અને મેજિસ્ટ્રેટ લોકોને માત્ર સજા જ નથી કરતા પણ તેમને નિર્દોષ પણ ઠેરવે છે.

જયપુરમાં જ્યારે નવી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તેની આંખો પર પટ્ટી બાંધી હતી અને ત્રાજવું પકડ્યું હતું તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ન્યાયાધીશ જૈને કહ્યું, ‘આ માટે મેં કહ્યું કે આંખે બાંધેલી પટ્ટી નિષ્પક્ષતાનું પ્રતિનિધિત્વ કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિની સંપત્તિ, સત્તા અથવા સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના કોઈપણ પક્ષપાત કે પૂર્વગ્રહ વિના ન્યાય આપવામાં આવે. ત્રાજવું પુરાવાના વજનનું પ્રતીક છે, ખાતરી કરે છે કે, નિર્ણય લેવામાં આવે તે પહેલાં બંને પક્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે.’

જૈને એમ પણ કહ્યું કે, આ કેસમાં એક ડગલું આગળ વધીને દેવીની આંખો પરથી પટ્ટી હટાવવાનો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય યોગ્ય નિર્ણય છે. હવે મૂંઝવણ દૂર થઈ ગઈ છે અને લોકો સમજી ગયા છે કે ન્યાયની દેવી આંધળી નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!