GST કાઉન્સિલ દ્વારા રચવામાં આવેલા મંત્રીઓના જૂથ (GoM)એ તાજેતરમાં રિયલ એસ્ટેટ પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નિયમોમાં ફેરફાર માટે ઘણી ભલામણો આપી છે. જેમાં એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા વિસ્તારવા અને લક્ઝરી હાઉસિંગ પર વધારાના ટેક્સ લાદવા જેવી દરખાસ્તોનો સમાવેશ થાય છે.
GOMનું માનવું છે કે, હાલમાં રૂ. 45 લાખ સુધીના આવાસને ‘સસ્તા રહેઠાણો’ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જેને વધારીને રૂ. 55 લાખ કરવા જોઇએ. જો GST કાઉન્સિલ આ પ્રસ્તાવને મંજૂરી આપે તો ‘સસ્તા રહેઠાણો’ સેક્ટરને મોટી રાહત મળી શકે છે. હાલમાં ‘સસ્તા રહેઠાણો’ પ્રોજેક્ટ પર 1 ટકા GST લાગુ પડે છે, જ્યારે અન્ય રહેણાંક પ્રોજેક્ટ્સ પર 5 ટકા GST લાદવામાં આવે છે. જો કે, બંને કિસ્સાઓમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની કોઈ સુવિધા નથી.
ગોવાના CM પ્રમોદ સાવંતની આગેવાની હેઠળના સાત સભ્યોના GOMએ રૂ. 15 કરોડથી વધુની કિંમતના વૈભવી રહેઠાણો પર ટેક્સ રેટ વધારવાનું સૂચન કર્યું છે. આ દરખાસ્ત ઉચ્ચ મૂલ્યની મિલકતો પર વધારાનો ટેક્સ લાદવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે, જેથી સરકારની આવકમાં વધારો કરી શકાય.
સંયુક્ત વિકાસ કરાર (JDA)માં GST હેઠળ કોઈપણ રાહત આપવાની વિનંતીને GOM સભ્યોએ નકારી કાઢી છે. ઉદ્યોગની વિનંતી છતાં, GOMએ JDA પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સુવિધા પ્રદાન કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. GOMના એક સભ્યએ જણાવ્યું હતું કે, ‘સસ્તા રહેઠાણોની વ્યાખ્યાને વિસ્તૃત કરવા પર સર્વસંમતિ હતી, જોકે મોટાભાગના સભ્યો JDA પર GSTમાં રાહતની વિરુદ્ધ હતા.’
GOMની આ બેઠક ગયા અઠવાડિયે ગોવામાં યોજાઈ હતી, અને તેનો રિપોર્ટ GST કાઉન્સિલની આગામી બેઠક પહેલાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. GST કાઉન્સિલની આ બેઠક નવેમ્બરના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે. GOMની ભલામણોના આધારે જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સાત સભ્યોના GOMમાં ગોવાના CM પ્રમોદ સાવંતની સાથે બિહારના DyCM સમ્રાટ ચૌધરી, ઉત્તર પ્રદેશના નાણાપ્રધાન સુરેશ કુમાર ખન્ના, કેરળના નાણાપ્રધાન KN બાલાગોપાલ, મહારાષ્ટ્રના GST કાઉન્સિલના પ્રતિનિધિ અદિતિ તટકરે, પંજાબના નાણાં પ્રધાન હરપાલ સિંહ ચીમા અને ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ મોહનલાલ દેસાઈનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી 2019માં મળેલી 33મી GST કાઉન્સિલની બેઠકમાં પરવડે તેવા આવાસની વ્યાખ્યા નક્કી કરવામાં આવી હતી. આ મુજબ, નોન-મેટ્રોપોલિટન વિસ્તારોમાં 90 ચોરસ મીટર સુધીના કાર્પેટ એરિયા અને મેટ્રોપોલિટન વિસ્તારોમાં 60 ચોરસ મીટર સુધીના ફ્લેટ, જેની કિંમત 45 લાખ રૂપિયા સુધી છે, તે ‘સસ્તા રહેઠાણો’ની શ્રેણીમાં આવે છે. મેટ્રોપોલિટન વિસ્તારોમાં બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી-NCR (દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ અને ફરીદાબાદ), હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈનો સમાવેશ થાય છે.
GOMએ સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ્સ પર GSTમાં ફેરફારની વિનંતીને નકારી કાઢી છે અને 1 એપ્રિલ, 2019 પછી JDA પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની સુવિધા આપવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.