fbpx

ઓન્લી CR : સુરતના 2 MLAએ તો હોર્ડિંગ્સમાંથી PM, HM, CM અને BJPને પણ દૂર કરી દીધા

Spread the love

લિંબાયતના સંગીતા પાટીલ અને ઉધનાના મનુ પટેલ ફોગવા તો સંદીપ દેસાઇને પણ ટપી ગયા

સુરત. સુરત લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ અને ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ એવા નેતાઓ છે જેમણે દિવાળી શુભેચ્છાના મસમોટા હોર્ડિગ્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ દૂર કરી દીધા. તેમના હોર્ડિંગ્સ પર માત્રને માત્ર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના ફોટા છે. સંગીતાબેને પાટીલે ભારતીય જનતા પાર્ટીના નામને બદલે પાર્ટીનું નિશાન કમળ લગાવ્યું છે તો મનુ પટેલે તો પાર્ટીનું નામ સુદ્ધાં દૂર કરી દીધું છે.

સુરતના ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંદીપ દેસાઇએ દિવાળી શુભેચ્છાના હોર્ડિંગ્સ પોતાના આદમકદ ફોટા સાથે તેનાથી પણ મોટા ફોટો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો લગાવ્યા હોવાના અહેવાલ Khabarchhe.com પર પ્રકાશિત થવાની સાથે જ દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. સંદીપ દેસાઇ અંગે તો ચર્ચા શરૂ થઇ જ હતી. બીજા કેટલાક આવા નેતાઓ અંગે પણ વિવાદ ઊભો થયો હતો. ખુદ ભાજપના નેતાઓ તેમના સોશિયલ મીડિયા ગ્રુપોમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ ફોગવાના ઠેર ઠેર લાગેલા પોસ્ટર્સના ફોટો શેર કરવા લાગ્યા હતા.

-લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ

સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે તેમના મત વિસ્તારમાં લગાવેલા હોર્ડિંગમાં દિવાળીની શુભેચ્છાઓ અપાઇ છે. તેમાં સી.આર. પાટીલના ફોટા સાથે પોતાનો ફોટો લગાવ્યો છે. તેમાં માત્ર કમળ છે. ભારતીય જનતા પાર્ટીનું નામ પણ નથી.



-ઉધના ધારાસભ્ય મનુ પટેલ ફોગવા

ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ ફોગવાએ તો હદ જ કરી નાંખી. તેમણે પોતાના મસમોટા ફોટાની સાથે સી.આર. પાટીલનો ફોટો તો લગાવ્યો પરંતુ નામ દૂર કરી દીધું. આખા પોસ્ટરમાં ન તો ભારતીય જનતા પાર્ટીનું નામ લખ્યું છે ન તો કમળનું નિશાન મૂક્યું છે.

જ્યારે આ અંગે અમે મનુ પટેલ ફોગવાને પૂછ્યું તો તેમણે કહ્યું કે કયા હોર્ડિંગ્સ. મને તો ખબર જ નથી. તો સંદીપ દેસાઇને નજીકના સૂત્રોએ કહ્યું હતું કે તેમણે પાર્ટીના પ્રોટોકોલ મુજબ જ હોર્ડિંગ્સ લગાવ્યા છે.

આમ, દિવાળી ટાણે સુરતના સી.આર. પાટીલ જૂથના ગણાતા 3 ધારાસભ્યો સંદીપ દેસાઇ, સંગીતા પાટીલ અને મનુ પટેલ ફોગવાએ કેન્દ્રીય મંત્રીને ફિક્સમાં મૂકી દીધા હોવાની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. સૂત્રો જણાવે છે કે સી.આર. પાટીલ ભલે કેટલા પણ પાવરફૂલ નેતા બની ગયા હોય પરંતુ તેઓ ક્યારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નીચું દેખાય એવું એક પણ કામ કરતા નથી. તેઓ સતત એ વાતનું ખ્યાલ રાખતા હોય છે. પરંતુ તેમના જૂથના જ 3 ધારાસભ્યોએ દિવાળીના તહેવાર ટાણે નવી મુસીબત ઊભી કરી. ઉલ્લેખનીય છે કે 3માંથી 2 ધારાસભ્યો તો જૂનિયર છે કારણ કે તેઓ પહેલીવાર જ બન્યા છે પરંતુ સંગીતાબેન તો ખાસ્સા સિનિયર છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!