રાજકોટની સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવી દેવાતા વિવાદ સર્જાયો છે. રાજકોટની પારડી વીજ કચેરીમાં સત્યનારાયણની કથા ચાલી રહી હતી. આ કથા બંધ કરાવી દેવાતા બ્રહ્મ સમાજમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે. બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તો વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે હેમાંગ રાવલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એમ કર્યું છે.
આ મામલે બ્રહ્મ સમાજના અગ્રણી, હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, આ વ્યક્તિ અધિકારોનું હનન કરનાર છે, તે વારંવાર ધર્મનું અપમાન કરે છે. અમે માનીએ છીએ કે, અંધશ્રદ્ધા ન હોવી જોઇએ પરંતુ શ્રદ્ધાની લાગણીને પણ ઠેસ ન પહોંચાડવી જોઇએ. જયંતભાઇ સાથે મારે વાત થઇ હતી જેમાં તેમણે સ્વીકાર્યું કે, આ ધાર્મિક કાર્યક્રમને અમે બંધ કરાવવા ગયા હતા. તેની સાથે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, તેમની સંસ્થા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અંધશ્રદ્ધાનો હંમેશાં વિરોધ કરે છે પરંતુ ધાર્મિક આસ્થાને સન્માન આપે છે.
દેશના મહાન સપૂત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશના બંધારણની અંદર પણ દેશના નાગરિકોને પોતાનો ધર્મ અને આસ્થા માનવાની છૂટ આપી છે. આજે જે પ્રમાણે કરોડો હિન્દુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેના લોકોએ બ્રહ્મ સમાજ અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. આ આરોપો અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કહ્યું કે, અમે લોકોને અપીલ કરીએ છીએ કે, વીજ કચેરીમાં અમે કાયદા મુજબ, બંધારણ મુજબ, ડેપ્યુટી ઇજનેરને વાત કરતા તેમણે પોતે સ્વેચ્છાએ સત્યનારાયણની કથા બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં વિજ્ઞાન જાથાની કોઇ ભૂમિકા નથી. આ રાવલનો માત્ર અને માત્ર પ્રસિદ્ધિ મેળવવા અને અશાંતિનો માહોલ ઉત્પન્ન કરવામા માટે પ્રયાસ છે.
જાગૃત સમાજ જાણે છે કે, સરકારી કામકાજ દરમિયાન આવા ધાર્મિક કાર્યક્રમો ન થાય. રાવલભાઇના આ આરોપ ખોટો છે અને તે હવામાં ઓગળી જશે. જ્યારે આ સમગ્ર ઘટના અંગે યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું હતું કે, આ આસ્થાને અટકાવવાનો પ્રયાસ છે. અંધશ્રદ્ધા અને આસ્થા વચ્ચે મોટી ભેદ રેખા છે. આવા પ્રયત્નો કરશો, તો બ્રહ્મસમાજ સહન નહીં કરી લે. કથા કલાક કે પોણા કલાકની હોય છે. જેમાં સરકારી કામ અટકી જતું નથી.