આ સમયે દેશભરમાં દિવાળીનો માહોલ છે. લોકો દિવાળીની તૈયારીઓ કરી રહ્યા છે અને ગુરુવારે દેશનો ખૂણે ખુણો ઝગમગી ઉઠશે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ભારતમાં જ એક એવું ગામ છે, જ્યાં એક પણ વ્યક્તિ દિવાળી મનાવતી નથી. હિમાચલ પ્રદેશના હમીરપુરનું એક ગામ એવું છે, જ્યાં દીવાળીનો તહેવાર મનાવવામાં આવતો નથી અને ન તો દિવાળીની કોઇ તૈયારી કરવામાં આવે છે. હમીરપુર જિલ્લામાં સમ્મૂ ગામમાં ઘણા વર્ષોથી દિવાળી મનાવવાની તો દૂરની વાત આ દિવસે ઘર પર પકવાન પણ બનાવવામાં આવતા નથી.
લોકોનું માનવું છે કે ગામને એક શ્રાપ છે, એટલે અહી દિવાળીનું સેલિબ્રેશન મનાવવામાં આવતું નથી. જો કોઇ વ્યક્તિ એમ કરે છે તો અહી આપત્તિ આવી જાય છે કે પછી અકાળે મૃત્યુ થઇ જાય છે. આ વખત પણ હમીરપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિમી દૂર આવેલા આ ગામમાં દિવાળીને લઇને કોઇ રોનક જોવા મળી રહી નથી. અહી સેકડો વર્ષોથી દિવાળી મનાવવા પર દૂરી બનાવવામાં આવે છે. દિવાળીના દિવસે દીવા તો સળગાવવામાં આવે છે, પરંતુ જો કોઇ પરિવારે ભૂલથી પણ ફટાકડા ફોડવા સાથે ઘર પર પકવાન બનાવ્યા તો પછી ગામમાં આપત્તિ આવવાની નક્કી છે.
ઠાકુર વિધિ ચંદે જણાવ્યું કે, સેકડો વર્ષોથી ગામમાં દિવાળી મનાવવામાં આવતી નથી. કોઇ દિવાળી મનાવવાનો પ્રયાસ કરે છે, તો ગામમાં કોઇક ને કોઇનું મોત થઇ જાય છે કે આપત્તિ આવી જાય છે, બીના નામની મહિલાએ જણાવ્યું કે જ્યારે પણ તહેવાર આવે છે તો તેનું હૃદય ભરાઇ આવે છે, જેમ કે બધી જગ્યાએ ઘરોમાં ચહલ-પહલ થાય છે, પરંતુ તેમના ગામમાં આ દિવાસોમાં કોઇના ઘરમાં ખુશી હોતી નથી. ગામને આ શ્રાપથી મુક્ત કરાવવા માટે ઘણી વખત હવન-યજ્ઞ વગેરેનો સહારો લેવામાં આવ્યો, પરંતુ બધુ નિષ્ફળ ગયું.
ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે જ એક મહિલા પોતાના પતિ સાથે સતી થઇ ગઇ હતી. મહિલા દિવાળી મનાવવા માટે પિયર જવા નીકળી હતી. તેનો પતિ રાજાના દરબારમાં સૈનિક હતો, પરંતુ જેવી જ મહિલા ગામથી થોડે દૂર પહોંચી તો તેને ખબર પડી કે તેના પતિનું મોત થઇ ગયું છે. ત્યારે એ મહિલા ગર્ભવતી હતી. કહેવાય છે કે મહિલાને એ આઘાત સહન ન થયો અને તે પોતાના પતિ સાથે સતી થઇ ગઇ. સાથે જ જતા જતા આખા ગામને એવો શ્રાપ આપતી ગઇ કે આ ગામના લોકો ક્યારેય દિવાળીનો તહેવાર નહીં મનાવી શકે. એ દિવસથી લઇને આજ સુધી ગામમાં કોઇએ દિવાળી મનાવી નથી. લોકો માત્ર સતીની મૂર્તિની પૂજા કરે છે.