અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. બરાક ઓબામા, ટ્રમ્પથી લઈને જો બાઇડેન સુધીના દરેક રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી છે. એટલું જ નહીં, આ પ્રસંગે સ્થાનિક સ્તરે આયોજિત કાર્યક્રમોમાં નેતાઓ પણ હાજરી આપતા રહ્યા છે, પરંતુ આ વખતે પહેલીવાર બનશે જ્યારે ન્યૂયોર્કમાં દિવાળી પર શાળાઓ બંધ રહેશે. ન્યૂયોર્ક સિટીના મેયર ઓફિસમાં ડેપ્યુટી કમિશનર તરીકે કામ કરતા દિલીપ ચૌહાણે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આ વર્ષની દિવાળી ખાસ છે. USAના ઈતિહાસમાં પહેલીવાર દિવાળીના અવસર પર ન્યૂયોર્કની શાળાઓ બંધ રહેશે. 1લી નવેમ્બરને શુક્રવારે શાળાઓમાં દિવાળીની રજા રહેશે.
ચૌહાણે કહ્યું કે, ન્યૂયોર્કમાં આવો નિર્ણય લેવો સરળ નથી, જ્યાં કુલ 11 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે હિન્દુ સમુદાયના ઘણા નેતાઓએ થોડા વર્ષો પહેલા આ અંગે આંદોલન શરૂ કર્યું હતું. તેમની માંગ એવી હતી કે, આવી રજા હોવી જોઈએ. હવે તેને ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. હવે પ્રશાસને 1લી નવેમ્બરે દિવાળીની રજા જાહેર કરી છે. દિલીપ ચૌહાણે કહ્યું કે, હિન્દુ સમુદાય માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે, કારણ કે આ વખતે લાંબા સમયથી પડતર માંગણી મંજૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓએ પસંદ કરવાનું હતું કે, દિવાળીની ઉજવણી કરીએ કે, શાળાએ જવું. આમ જોવા જઈએ તો, દિવાળી એ એક દિવસનો તહેવાર નથી પરંતુ 5 દિવસનો તહેવાર છે.
દિવાળીના દિવસે લોકોએ પૂજા-પાઠ કરીને મંદિરમાં જવું પડે છે. આવી સ્થિતિમાં તેમના માટે મંદિરે જવું કે શાળાએ જવું, તેની પસંદગી કરવી મુશ્કેલ હતી. હવે હિન્દુ સમુદાયના લોકો સરળતાથી દિવાળી ઉજવી શકશે અને શાળાઓમાં રજા રહેશે. તેમણે કહ્યું કે, હિન્દુ સમાજ માટે ખુશીની વાત છે કે, દિવાળી પર પણ શાળાઓ બંધ રહે છે. ચૌહાણે કહ્યું કે, અમે મેયર એડમ્સના આભારી છીએ કે, તેમણે દિવાળી પર રજા જેવો મોટો નિર્ણય લીધો. હકીકતમાં, આ વર્ષે જૂનમાં જ, ન્યૂયોર્ક સિટી પ્રશાસને દિવાળી પર રજા જાહેર કરી હતી. હવે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.