મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનનો સમય પૂરો થઇ ગયો છે, પરંતુ પછી તે મહાવિકાસ અઘાડી હોય કે મહાયુતિ, બંને જ ગઠબંધનની સીટ ફાળવણી પર અત્યાર સુધી પૂરી રીતે ખુલાસો થયો નથી. છેલ્લા કલાકોમાં જે તસવીર સામે આવી હતી. તે ઘણું બધુ કહી દે છે. મહાયુતિનું સમીકરણ જોઇએ તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને શરદ પવારે મળીને એવું ગણિત માંડ્યું છે કે જેનાથી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ઝટકો લાગ્યો છે. અગાઉની ચૂંટણીઓને જોઇએ તો ઉદ્ધવની પાર્ટી આ ચૂંટણીમાં સૌથી ઓછી સીટો પર ચૂંટણી લડી રહી છે.
કોંગ્રેસે 102 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે શરદ પવારની પાર્ટી NCPએ 91 સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને માત્ર 84 સીટો મળી છે. આંકડાઓ જોઇએ તો કોંગ્રેસ પાસે હાલમાં 37 ધારાસભ્યો છે જ્યારે શરદ પવાર પાસે માત્ર 12 ધારાસભ્યો છે. શિવસેનામાં વિભાજન છતા ઉદ્ધવ ઠાકરે પાસે અત્યારે પણ 16 ધારાસભ્યો છે. એટલે કે ઉદ્ધવ ગ્રુપના ધારાસભ્યો શરદ પવાર કરતા પણ વધારે છે. એ છતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવારની NCP કરતા ઓછી સીટો આપવામાં આવી છે.
તેનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં મોટા ભાઇની ભૂમિકામાં આવી ગઇ છે, જ્યારે શરદ પવારની NCP બીજા નંબર પર અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના ત્રીજા નંબરે રહેશે. જો કે, 2019માં, જ્યારે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું, ત્યારે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી બીજા નંબર પર હતી. ભાજપે તેને 127 સીટો આપી હતી. ત્યારે શિવસેનાને 56 સીટો પર જીત હાંસલ કરી હતી. પરંતુ હવે મામલો સાવ ઊંધો થઇ ગયો છે. હવે શિવસેના પોતાના જ ગઠબંધનમાં ત્રીજી પાર્ટી બનીને રહી ગઇ છે.
રાજનીતિના જાણકારો મુજબ, ઉદ્ધવ ગ્રુપની શિવસેનાનો સામનો શિંદે ગ્રુપના ઉમેદવારો સાથે થશે. કેટલીક જગ્યાએ ભાજપ સાથે પણ ટક્કર છે. પરંતુ આ ગણિતથી સ્પષ્ટ છે કે જો મહાવિકાસ આઘાડી જીતવામાં સફળ થઇ જાય છે, તો ઉદ્ધવ ઠાકરે માટે મુખ્યમંત્રીના ફેસ પર દાવો કરવો સરળ નહીં હોય કેમ કે, જ્યારે તેમને એક તૃતિયાંશ ઓછી સીટો આપવામાં આવી છે તો જીતની સંભાવના પણ એ હિસાબે જ રહેશે.