ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર US કોર્ટમાં ભારત સરકારના એક અધિકારીને લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ મુજબ, સોલાર પ્લાન્ટને લગતા કોન્ટ્રાક્ટ મેળવવા માટે આંધ્રપ્રદેશ સરકારના એક ઉચ્ચ અધિકારીને લાંચ આપવામાં આવી હતી. તે સમયે રાજ્યમાં જગન મોહન રેડ્ડીની YSRCP સરકાર હતી. YSRCPએ હવે આ આરોપોને ખોટા ગણાવ્યા છે.
બ્રુકલિન કોર્ટમાં દાખલ કરાયેલા કેસ મુજબ, ગૌતમ અદાણીએ રાજ્યની વિતરણ કંપનીઓને 1750 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તેના બદલામાં, કંપનીઓ મેન્યુફેક્ચરિંગ-સંબંધિત પ્રોજેક્ટ્સ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) પાસેથી 7 ગીગાવોટ સોલાર પાવર ખરીદવા સંમત થઈ હતી.
YSRCPએ આ આરોપો પર પોતાનો જવાબ આપ્યો છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે, ‘આંધ્ર પ્રદેશની પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને અદાણી ગ્રૂપ સાથે સંબંધિત અન્ય કોઈપણ એન્ટિટી વચ્ચે કોઈ સીધો કરાર નથી. તેથી, રાજ્ય સરકાર પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે.’
આ કરારની પ્રક્રિયાને સમજાવતા, પાર્ટીએ કહ્યું છે કે, ‘આંધ્રપ્રદેશની વિતરણ કંપનીઓ દર વર્ષે કૃષિ ક્ષેત્રને લગભગ 12,500 MU મફત વીજળી સપ્લાય કરે છે. તેથી સરકાર વીજ કંપનીઓને ખર્ચ પ્રમાણે વળતર આપે છે. અગાઉની સરકારોની નીતિઓને કારણે, અતિશય ટેરિફ પર વીજ ખરીદી કરારો કરવામાં આવ્યા હતા. જેના કારણે રાજ્ય સરકાર પર સબસિડીનો બોજ વધારે ભારે પડી રહ્યો હતો. આ સમસ્યાને ઘટાડવા માટે, રાજ્યમાં બનાવવામાં આવી રહેલા સોલાર પાર્કમાં 10,000 મેગાવોટની સોલાર ક્ષમતા સ્થાપિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.’
તેમણે વધુમાં કહ્યું, ‘આ માટે, આંધ્ર પ્રદેશ ગ્રીન એનર્જી કોર્પોરેશન લિમિટેડ (APGECL)એ નવેમ્બર 2020માં ટેન્ડર બહાર પાડ્યું હતું. કુલ 6400 મેગાવોટની સૌર ઉર્જા ક્ષમતાના વિકાસ માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. રૂ. 2.49થી રૂ. 2.58 પ્રતિ kWhના વચ્ચેના દરે કુલ 24 બિડ પ્રાપ્ત થઈ હતી. જોકે, કાયદાકીય અને નિયમનકારી સ્તરે આ ટેન્ડરના માર્ગમાં અનેક અવરોધો હતા. અને તેથી જ તે સફળ થઈ શક્યો નહીં.’
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારને પાછળથી SECI તરફથી રૂ. 2.49ના પ્રતિ kWhના દરે 7000 મેગાવોટ પાવર સપ્લાય કરવાનો પ્રસ્તાવ મળ્યો હતો. અગાઉ મળેલા તમામ દરોમાં આ સૌથી નીચો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ત્યારપછી, આંધ્ર પ્રદેશ સરકારે 25 વર્ષના સમયગાળા માટે SECI પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. આ અંતર્ગત નાણાકીય વર્ષ 2024-25માં 3000 મેગાવોટ, 2025-26માં 3000 મેગાવોટ અને 2026-27માં 1000 મેગાવોટનો સપ્લાય શરૂ થશે. આમાં, ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ફી માફ કરવામાં આવશે.’
YSRCPના નિવેદન મુજબ, 11 નવેમ્બર, 2021ના રોજ આંધ્ર પ્રદેશ વિદ્યુત નિયમનકારી આયોગ (APERC) દ્વારા 7000 મેગાવોટની પાવર ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. APERCની મંજૂરી મેળવ્યા પછી, 1 ડિસેમ્બર, 2021ના રોજ SECI અને આંધ્ર પ્રદેશની પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ વચ્ચે પાવર સેલ એગ્રીમેન્ટ (PSA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC)ની પણ મંજૂરી મળી હતી.
પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ પ્રોજેક્ટ રાજ્યના હિતમાં છે. તેમણે કહ્યું કે, આટલા સસ્તા દરે વીજળી ખરીદીને રાજ્ય દર વર્ષે 3700 કરોડ રૂપિયાની બચત કરશે. તેમણે કહ્યું કે, આ કરાર 25 વર્ષ માટે છે, તેથી રાજ્યને ઘણો ફાયદો થશે.