fbpx

જ્યારે ધોનીએ ગુસ્સામાં પાણીની બોટલને લાત મારી દીધેલી, પૂર્વ CSKના ખેલાડીએ…

Spread the love

મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર પોતાના ધૈર્ય પૂર્વક અંદાજ માટે જાણીતો છે. તે દબાવની સ્થિતિમાં પણ ધીરજથી નિર્ણય લઇ શકે છે, જેના માટે તેને ‘કેપ્ટન કૂલ’ના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ સમય સમય પર પડદા પાછળની કહાનીઓ સામે આવે છે કે ધોનીને જ્યારે ગુસ્સો આવે છે તો બધા જોતા જ રહી જાય છે. હવે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) માટે રમી ચૂકેલા સુબ્રમણ્યમ બદ્રીનાથે મહેન્દ્ર સિંહ ધોનીને લઇને ખૂબ મોટો ખુલાસો કર્યો છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટ મુજબ એસ. બદ્રીનાથે જણાવ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોની હંમેશાં પોતાના કેપ્ટન કૂલ વાળા અંદાજમાં રહેતો નથી.

બદ્રીનાથે કહ્યું કે, તેને પણ ક્યારેક ક્યારેક ગુસ્સો આવે છે. ધોની પણ એક માણસ છે. તેણે પણ પોતાનો પિત્તો ગુમાવ્યો છે, પરંતુ એવું મેદાન પર ક્યારેય થયું નથી. તે ક્યારેય વિપક્ષી ટીમને આભાસ થવા દેતો નથી કે તેને ગુસ્સો આવી રહ્યો છે. એસ. બદ્રીનાથે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, એક વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ ચાલી રહી હતી. એ મેચમાં ચેન્નાઇએ 110 રનના લક્ષ્યનો પીછો કરવાનો હતો, પરંતુ ચેન્નાઇ સુપર કિંગ્સે એ મેચમાં સતત અંતરે વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ટીમને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

બદ્રીનાથે કહ્યું કે, હું અનિલ કુંબલેના બૉલ પર LBW આઉટ થઇ ગયો હતો. આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં ઊભો હતો અને મહેન્દ્ર સિંહ ધોની અંદર આવી રહ્યો હતો. ત્યારે જ તેણે ગુસ્સામાં આવીને પાણીની બોટલને લાત મારી દીધી, જે દૂર જઇને પડી. એ ઘટના બાદ કોઇ પણ ખેલાડીએ તેની સાથે આંખ ન મળાવી. તાજેતરમાં ધોની IPL 2025માં રમશે કે નહીં તે વિષય ચર્ચાનો કેન્દ્ર છે. આ મામલે ચેન્નાઇ સુપર કિંગ્સ ખૂબ જલદી નિર્ણય સંભળાવી શકે છે.

ક્રિકબઝના રિપોર્ટ મુજબ, IPL 2025માં મહેન્દ્ર સિંહ ધોનીનો રમવાનો નિર્ણય કોઇ નીતિ પર નિર્ભર નહીં હોય. આ અગાઉ, એવા રિપોર્ટ આવ્યા હતા કે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોની ત્યારે પોતાના ભવિષ્ય અંગે નિર્ણય કરશે, જ્યારે BCCI IPL 2025 મેગા ઓક્શન માટે રીટેન્શન પોલિસીનો ખુલાસો કરશે, પરંતુ હવે ચેન્નાઇના એક અધિકારીએ એમ કહ્યું કે જો ધોની આગામી સીઝનમાં રમવાનું નક્કી કરે છે, તો BCCI ભલે માત્ર 2 જ રીટેન્શનની મંજૂરી આપે, પરંતુ ધોની ચેન્નાઇના રીટેન્શનમાં હશે.

Leave a Reply

error: Content is protected !!