fbpx

માત્ર 5 લાખમાં શરૂ કરી હતી પહેલી કંપની, આજે ખૂટે નહીં એટલા પૈસા છે

Spread the love

ગૌતમ અદાણી હવે માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. Forbesના રિયલટાઈમ બિલિયોનેર લિસ્ટ અનુસાર, આજે તેમનું નેટવર્થ ભલે 76.6 બિલિયન ડૉલરનું થઈ ચુક્યુ છે અને તેઓ દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે, તેમની શરૂઆત સામાન્ય લોકોની જેમ એકદમ નાનાપાયેથી થઈ છે. અદાણીએ વ્યવસાયની શરૂઆત માત્ર પાંચ લાખ રૂપિયાથી કરી હતી અને ધીમે-ધીમે વિશાળ સામ્રાજ્ય ઊભુ કરી દીધુ.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની આ સફળતાની પાછળ તેમની મહેનત, ચતુરાઈ, કુશળતા, નેટવર્કિંગ જેવા ગુણ છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ ન કરનારા ગૌતમ અદાણીની સ્ટોરી હીરાના વ્યવસાયથી શરૂ થાય છે. તેઓ 16 વર્ષની ઉંમરમાં મુંબઈ ચાલ્યા ગયા અને હીરાનો વ્યવસાય શીખવા માંડ્યા. બાદમાં તેઓ 1981માં ગુજરાત પાછા આવી ગયા અને પોતાના ભાઈની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરવા માંડ્યા.

વ્યવસાય જગતમાં તેમણે પહેલું મોટું પગલું 1988માં મુક્યુ, જ્યારે તેમની પહેલી કંપની અદાણી એક્સપોર્ટ્સની શરૂઆત થઈ. માત્ર પાંચ લાખ રૂપિયાની પૂંજી સાથે શરૂ થયેલી આ કંપની બાદમાં અદાણી એન્ટરપ્રાઈઝીસ બની. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડને 1994માં શેરબજારમાં ઉતારવાથી બૂસ્ટ મળ્યું. જ્યારે 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે ભારતમાં આર્થિક ઉદારીકરણનો રસ્તો તૈયાર કર્યો, તો તેનાથી દેશના વ્યવસાય જગતમાં વ્યાપક બદલાવ આવ્યા. ત્યારબાદ ઘણા નવા વ્યવસાયીઓને આગળ વધવાની તક મળી. આ બદલાવે માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને જ નહીં, પરંતુ અદાણી પરિવારને પણ મલ્ટીનેશનલ અને ડાયવર્સિફાઈડ બિઝનેસ ઊભો કરવામાં મદદ મળી.

ગૌતમ અદાણી વિશે છેલ્લાં કેટલાક વર્ષોથી એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ જલ્દી જ મુકેશ અંબાણીને પાછળ છોડી દેશે. આજે એ બધા જ અનુમાન સાચા સાબિત થઈ ચુક્યા છે. વ્યવસાય જગતના જાણકાર અદાણીની સરખામણી મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીની સાથે કરે છે. ધીરુભાઈ અંબાણીની જેમ ગૌતમ અદાણી પણ પહેલી પેઢીના બિઝનેસમેન છે. તેમને મુકેશ અંબાણીની જેમ વારસામાં વિશાળ વ્યવસાય સામ્રાજ્ય નથી મળ્યું, પરંતુ તેમણે ધીરુભાઈએની જેમ પોતાની મહેનત અને પ્રતિભાથી આ મુકામ હાંસલ કર્યું છે. ભલે લોકો ગૌતમ અદાણીની ટીકા કરતા હોય, પરંતુ સત્ય તો એ છે કે ભારતથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી તેમના લોકો વખાણ કરે છે. ગૌતમ અદાણી પોતે કહી ચુક્યા છે કે, તેમને કોઈ ખાસ રાજકીય પક્ષ સાથે લગાવ નથી. તમામ પાર્ટીઓમાં તેમના મિત્રો છે અને તેઓ માત્ર એ જ નેતાઓની સાથે કામ કરવાનું પસંદ કરે છે, જેમની પાસે આવનારી પેઢી માટે વિઝન હોય છે.

ગૌતમ અદાણીને હંમેશાંથી જ વિઝનને પસંદ કરનારા બિઝનેસ લીડર માનવામાં આવે છે. દુનિયા ભલે તેમની સંપત્તિના વધવા અથવા ઓછાં થવા પર નજર રાખતા હોય, પરંતુ તેઓ પોતે તેના પર ધ્યાન નથી આપતા. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે પૈસા આવે ત્યારે વધુ પડતા ખુશ અને પૈસા જાય ત્યારે દુઃખી ના થવુ જોઈએ. વર્ષ 1995 ગૌતમ અદાણી માટે ખૂબ જ સફળ સાબિત થયુ, જ્યારે તેમની કંપનીને મુંદ્રા પોર્ટના સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો. ગુજરાત સરકારે કચ્છમાં મુંદ્રા પોર્ટ તેમજ એસઈઝેડનું સંચાલન કોઈ પ્રાઈવેટ કંપનીને આપવાનો નિર્ણય કર્યો. ગૌતમ અદાણીને તેનું નિયંત્રણ મળ્યું અને આજે તે પ્રાઈવેટ ક્ષેત્રનું સૌથી મોટું પોર્ટ બની ગયુ છે.

Leave a Reply

error: Content is protected !!