

સુપ્રીમ કોર્ટના 9 જજની બેન્ચે અંગત સંપત્તિને લઈને આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે, વ્યક્તિના તમામ અંગત સંસાધનોને સમુદાયના માની શકાય નહીં. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે આજે એ પ્રશ્ન પર ચુકાદો આપ્યો કે, શું રાજ્ય સામાન્ય લોકોની ભલાઈ માટે ખાનગી મિલકતને લોકોમાં વહેંચવા માટે તેના પર કબજો કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે 1978 પછીના ચુકાદાઓને ઉથલાવી દીધા હતા, જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર જાહેર કલ્યાણના નામે તમામ ખાનગી મિલકતો પર પોતાનો કબજો કરી શકે છે.
મુખ્ય ન્યાયાધીશે, સાત ન્યાયાધીશોની બહુમતીનો નિર્ણય લખતી વખતે કહ્યું હતું કે, તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો નથી અને તેથી તે સરકારો દ્વારા કબજે કરી શકાય નહીં.

જસ્ટિસ B.V. નાગરથ્ના સાથી ન્યાયાધીશો સાથે અમુક અંશે સંમત હોય તેવું લાગતું હતું, પરંતુ જસ્ટિસ સુધાંશુ ધુલિયા આ નિર્ણય પર અસંમત હતા. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે નક્કી કરવાનું હતું કે, શું ખાનગી મિલકતોને બંધારણની કલમ 39(b) હેઠળ ‘સમુદાયના ભૌતિક સંસાધનો’ ગણી શકાય અને આવી સ્થિતિમાં ‘સામાન્ય ભલાઈ’ માટે રાજ્યના અધિકારીઓ દ્વારા તેને પોતાના નિયંત્રણને આધીન લેવામાં આવી શકે?
સર્વોચ્ચ અદાલતના બહુમતી નિર્ણયે ન્યાયમૂર્તિ કૃષ્ણા ઐયરના અગાઉના ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ ખાનગી માલિકીના સંસાધનો સરકાર હસ્તગત કરી શકે છે.
બહુમતી નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર ખાનગી મિલકતો પર કબજો કરી શકે તેવો જૂનો નિર્ણય વિશેષ આર્થિક, સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો.

સુપ્રીમ કોર્ટના બહુમતી નિર્ણય અનુસાર, તમામ ખાનગી માલિકીના સંસાધનો સરકાર હસ્તગત કરી શકતી નથી.
ખાનગી મિલકતો: સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સરકાર, તેમ છતાં, જાહેર જનતાની ભલાઈ માટે ભૌતિક અને સમુદાયની માલિકીના સ્ત્રોતો પર દાવો કરી શકે છે.
જસ્ટિસ BV નાગરથનાએ પોતાની અસંમતિ દર્શાવતા કહ્યું હતું કે, ભૂતકાળમાં અપનાવવામાં આવેલા મંતવ્યો માટે, તે સમયના ન્યાયાધીશોની ટીકા કરી શકાતી નથી.
