fbpx

હું હવે MLA-MP બનવા માગતો નથી… શરદ પવારે ચૂંટણી પહેલા નિવૃત્તિનો સંકેત આપ્યો

Spread the love

DyCM અજિત પવાર અને તેમના ભત્રીજા અને NCP (શરદ ચંદ્ર પવાર)ના ઉમેદવાર યુગેન્દ્ર પવાર વચ્ચે બારામતીમાં રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. DyCM અજિત પવારની પત્ની સુનેત્રા પવાર લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડી રહી હતી. સુપ્રિયા સુલે આ ચૂંટણી સરળતાથી જીતી ગયા હતા.

હાલ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. મહા વિકાસ આઘાડી અને મહાયુતિ બંને ગઠબંધન રાજ્યની જનતાને પોતાની તરફેણમાં કરવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય જેવા નેતા ગણાતા શરદ પવારે આ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં પોતાની રાજકીય કારકિર્દીને અલવિદા કહી દેશે. હકીકતમાં, તેમના ગઢ બારામતીમાં, શરદ પવારે કહ્યું, ‘હું કહેવા માંગુ છું કે, હું હવે સરકારમાં નથી. મારા રાજ્યસભાના કાર્યકાળને હજુ દોઢ વર્ષ બાકી છે. આ પછી, મારે રાજ્યસભામાં જવું કે નહીં, તે વિશે વિચારવાની જરૂર છે.’

તેમણે આગળ કહ્યું, ‘હું હવે ચૂંટણી નહીં લડું. મેં 14 ચૂંટણી લડી છે. હવે મારે ધારાસભ્ય નથી બનવું, મારે સાંસદ નથી બનવું… મારે લોકોના પ્રશ્નો ઉકેલવાના છે. જો અમારા વિચારોની સરકાર આવશે, તો અમે સરકારની પાછળ મક્કમતાથી ઊભા રહીશું.’ આ પ્રસંગે તેમણે પોતાના ભત્રીજા યુગેન્દ્ર પવારનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘જો યુગેન્દ્ર ચૂંટાઈને આવશે તો તેઓ ત્યાંના લોકોની સમસ્યાઓ ચોક્કસપણે હલ કરશે.’

યુગેન્દ્ર બારામતીથી શરદ પવારની આગેવાની હેઠળના NCP (SP)ના ઉમેદવાર છે, જ્યાં તેઓ રાજ્યના DyCM અને તેમના કાકા અજિત પવારનો સામનો કરશે. શરદ પવાર પોતે પણ બારામતીથી યુગેન્દ્ર માટે પ્રચાર કરી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 20 નવેમ્બરે થશે, પરંતુ પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું વિભાજન ગયા વર્ષે જુલાઈમાં થયું હતું, જ્યારે DyCM અજિત પવાર અને ઘણા ધારાસભ્યો શરદ પવારની ઈચ્છા વિરુદ્ધ CM એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. ત્યાર પછી, ચૂંટણી પંચે DyCM અજિત પવાર જૂથને પક્ષનું નામ અને ‘ઘડિયાળ’ ચૂંટણી ચિન્હ આપ્યું, જ્યારે શરદ પવારની આગેવાની હેઠળના જૂથનું નામ NCP (શરદ ચંદ્ર પવાર) રાખવામાં આવ્યું.

error: Content is protected !!