સુરતના સિટીલાઇટ રોડ પર આવેલા શિવપુજા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલા જીમ-11માં આગની ઘટનામાં હવે તપાસનો રેલો બિલ્ડર અનિલ રૂંગટા તરફ વળ્યો છે. 6 નવેમ્બરે લાગેલી આગમાં 2 યુવતીના મોત થયા હતા.
જાણવા મળેલી વિગત મુજબ પોલીસે અનિલ રૂંગટાના ઘરે અને ઓફિસે નોટિસ મોકલી છે અને બે દિવસમાં ઉમરા પોલીસમાં હાજર રહીને નિવેદન લખાવવા માટે કહ્યું છે.પહેલા પોલીસે ભુપેન્દ્ર પોપટનું નિવેદન લીધું હતું. પોપટે પોલીસને પુરાવા આપ્યા હતા કે વર્ષ 2021માં અનિલ રૂંગટા સાથે જીમની પ્રોપર્ટીની 1.55 કરોડમાં ડીલ થઇ હતી અને ભાડું પોતે ઉઘરાવવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ પોલીસે જીમના સંચાલક શાહનવાઝનું પણ નિવેદન લીધું હતું. શાહનવાઝે કહ્યું હતું કે તે ભાડું અનિલ રૂંગટાને ચુકવતો હતો. જો કે મીડિયા સાથેની વાતચીતમાં રૂંગટાએ કહ્યું છે કે તેમને કોઇ ભાડું મળ્યું નથી.
અનિલ રૂંગટા સુરતમાં બિલ્ડર તરીકે એક મોટું નામ છે અને મોટી વગ ધરાવે છે. રૂંગટાએ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઝંપલાવેલું છે.