fbpx

ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ પહેલા ભારતને ઝટકો, આ ખેલાડીની કોણીમાં ઇજા

Spread the love

ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર નથી. શુક્રવાર, 15 નવેમ્બર, 2024ના રોજ WACA મેદાન પર ભારતની ઇન્ટ્રા-સ્કવોડ મેચ સિમ્યુલેશન દરમિયાન KL રાહુલને જમણા હાથની કોણીમાં ઈજા થઈ હતી. આ પછી તેણે મેદાનની બહાર જવું પડ્યું હતું. ઈજાની ગંભીરતા વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી, પરંતુ હાથના સ્કેન માટે તેણે મેદાનની બહાર જવું પડ્યું હતું.

આનાથી 22 નવેમ્બરથી પર્થમાં રમાનાર ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય છાવણીમાં ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન, એક સ્થાનિક અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું ગુરુવાર 14 નવેમ્બર 2024ના રોજ કોઈક ઈજા અંગે સ્કેન કરવામાં આવ્યું હતું. જો કે, આનાથી કોહલીને મેચ સિમુલેશનમાં રમવાથી રોકી શકાયો નહીં.

ઈન્ટ્રા-સ્કવોડ મેચમાં KL રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી હતી. જે એ વાતનો સંકેત છે કે, જો રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે તો 32 વર્ષીય KL રાહુલ અને યશસ્વી જયસ્વાલ પર્થમાં ઓપનિંગ કરશે. KL રાહુલ 29 રન બનાવીને રમી રહ્યો હતો. તે શોર્ટ બોલને પણ સારી રીતે સંભાળી રહ્યો હતો, ત્યાર જ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણની એક ઉપરની તરફ આવતો બોલ તેના જમણા હાથની કોણીમાં વાગ્યો, જેના કારણે તે ઇજા પામ્યો હતો.

આ ઇજા થયા પછી KL રાહુલને ખુબ જ દર્દ થયું હતું. ટીમના ફિઝિયોની સલાહ લીધા પછી KL રાહુલે મેદાન છોડીને જવું પડ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોની ઉલ્લખ કરીને, એક સમાચાર એજન્સીએ કહ્યું કે, ‘KL રાહુલ વિશે…. આ હમણાં જ થયું છે, તેથી તેની કોણીની ઈજા વિશે કંઈ પણ કહેવા માટે થોડો સમય લાગશે.’

KL રાહુલ ટેસ્ટમાં પાછો ફરવાના પ્રયત્નો કરી રહ્યો છે. ગયા મહિને ન્યુઝીલેન્ડ સામેની બેંગલુરુ મેચ પછી તેની ભારતીય ટીમ ઇલેવનમાં પસંદગી કરવામાં આવી ન હતી. બેંગલુરુના આ ખેલાડીએ તેની છેલ્લી ટેસ્ટ સદી ડિસેમ્બર 2023માં સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે ફટકારી હતી. ત્યાર પછી તેણે નવ ઇનિંગ્સમાં ફક્ત બે અર્ધસદી જ બનાવી છે.

વિરાટ કોહલીએ મેચ સિમ્યુલેશનમાં આઉટ થતા પહેલા 15 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી મીડિયમ પેસર મુકેશ કુમારના બોલ પર બીજી સ્લિપમાં કેચ આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલીએ નેટ્સમાં લગભગ અડધો કલાક વિતાવ્યો. BCCIના સૂત્રએ કહ્યું, ‘અત્યારે વિરાટ કોહલીને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’

વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી મોટો સ્કોર કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેની છેલ્લી ટેસ્ટ સદી જુલાઈ 2023માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હતી. ત્યારથી, આ 36 વર્ષીય ખેલાડી વિરાટ કોહલીએ 14 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર બે જ અર્ધસદી ફટકારી છે.

વિરાટ કોહલીએ છેલ્લી 60 ઇનિંગ્સમાં માત્ર 31.68ની એવરેજથી રન બનાવ્યા છે અને માત્ર 2 ટેસ્ટ સદી ફટકારી છે. વર્ષ 2024માં તેની એવરેજ 6 ટેસ્ટમાં માત્ર 22.72 હતી. જોકે, કોહલીએ ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી અત્યાર સુધીમાં 4 વખત ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયો છે. તેણે 2012-13માં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી લઈને ત્યા સુધી ઓસ્ટ્રેલિયામાં તેની એવરેજ 54થી વધુ રહી છે.

ભારતના ભૂતપૂર્વ કોચ અને કેપ્ટન રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા સામે કોહલીના ફોર્મમાં પરત ફરવાનું સમર્થન કર્યું હતું. રવિ શાસ્ત્રીએ ICC રિવ્યુ શોમાં કહ્યું, ‘સારું, રમતનો રાજા પોતાના વિસ્તારમાં પાછો ફર્યો છે. હું (શંકા કરનારાઓને) ફક્ત એટલું જ કહીશ. જ્યારે તમે ઓસ્ટ્રેલિયામાં આ ખિતાબ પ્રાપ્ત કરી લો છો, તો જ્યારે તમે બેટિંગ કરવા ઉતરશો ત્યારે તે વસ્તુ તમારા પ્રતિસ્પર્ધીના ધ્યાનમાં હશે.’

Leave a Reply

error: Content is protected !!