સુરત જિલ્લાના ઓલપાડ, મજુરા અને ચોર્યાસી તાલુકામાં કુલ મળીને 8000થી વધુ બિનઅધિકૃત ઝીંગા તળાવનો મુદ્દો ફરી ઉછળતા તળાવ ધારકો પાસે દર મહિને ઉઘરાવાતા હપ્તા અંગેનો પણ ઘટસ્ફોટ થયો છે. દર મહિને તળાવ દીઠ હપ્તો ઉઘરાવવા માટે ડઝનથી વધુ ટાઉટોને કામ પર લગાડવામાં આવતા હોવાની માહિતી પણ બહાર આવી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડમાં સૌથી વધુ બિનઅધિકૃત ઝીંગા તળાવો હોવાની માહિતીને આધારે વર્ષ 2020માં બ્રેકીશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સમક્ષ કેસ દાયર કરવામાં આવ્યો હતો. જે અન્વયે કલેક્ટરને નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી અને તળાવોને સરવે કરીને રિપોર્ટ સબ મીટ કરવા અમુક મુદ્દત આપવામાં આવી હતી. આ મુદ્દતે પુર્ણ થયેથી સુરત જિલ્લા કલેક્ટરે એફિડેવિટ પર જણાવ્યું હતું કે, સરવે દરમિયાન માત્ર 20 ટકા જ તળાવો અધિકૃત મળી આવ્યા છે. આ સિવાયના 80 ટકા તળાવો બિનઅધિકૃત રીતે ધમધમી રહ્યાં છે. આ રિપોર્ટ પછી ગુસ્સાથી લાલચોળ થયેલા NGTએ બિનઅધિકૃત ઝીંગા તળાવો તોડી પાડવામાં આદેશ કર્યો હતો પરંતુ રાજકારણીઓની મોટી વગ તેમજ ભ્રષ્ટ બ્યુરોક્રેટની સિન્ડીકેટમાં કલેક્ટર ફાવ્યા ન હતા અને બિનઅધિકૃત ઝીંગા તળાવો તોડી શક્યા ન હતા. આ મામલે NGTએ કલેક્ટરને ઠપકો પણ આપ્યો હતો એવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.
જોકે, આ બધી કાર્યવાહી વચ્ચે ભ્રષ્ટ રાજકારણી અને બ્યુરોક્રેટની સિન્ડીકેટ દર મહિને તળાવ દીઠ 3000 રૂપિયાનો હપ્તો ફિક્સ કરી દીધો છે. જેની ઉઘરાણી માટે કાંઠા વિસ્તારના એક ડઝનથી વધુ ટાઉટોને કામે લગાડવામાં આવ્યા છે. 1થી 10 તારીખ વચ્ચે ઉઘરાણી પૂર્ણ કરી દેવામાં આવે છે અને 15મી તારીખ સુધી જે-તે રાજકારણી અથવા બ્યુરોક્રેટના સુરક્ષિત સ્થળે રૂપિયા પહોંચતા કરી દેવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અધધ……મહિને દોઢ કરોડની ઉઘરાણી….!
એક અંદાજ મુજબ બિનઅધિકૃત તળાવોની સંખ્યા 8000થી વધુ ગણવામાં આવે છે પરંતુ મોટુ મન રાખીને 3000 તળાવોને અધિકૃત ગણવામાં આવે તો 5000 બિનઅધિકૃત તળાવો બચે. આ તળાવો પરથી દર મહિને 3000ની ઉઘરાણી કરવામાં આવે તો દર મહિને દોઢ કરોડ રૂપિયા એકત્રિત થાય છે. આમાંથી કોને કેટલો ભાગ જતો હશે તે તપાસનો વિષય છે.
એક મોટા ગજાના રાજકારણી અને પૂર્વ ધારાસભ્યની મજબુત પકડ..!
ઝીંગા તળાવ ધારકોને સુરક્ષા આપવા માટે એક મોટા ગજાના રાજકારણી અને ધારાસભ્ય તેમજ પુર્વ ધારાસભ્યની પકડ મજબુત છે. પ્રોટેક્શન મનીના નામે દર મહિને માતબર રકમ ઉસેટવામાં આવી રહી છે જેનો સીધો લાભ ઝભ્ભાધારી વર્તમાન એક ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યને થઈ રહ્યો છે. વર્તમાન ધારાસભ્ય અન્ય સંસ્થાઓમાં ખુબ વ્યસ્ત હોવાથી તેમની નજર હજુ સુધી આ બિઝનેશ (ગેરકાયદે હપ્તાખોરી) પર પડી નથી. જો તે પણ ઈન્વોલ્વ થાય તો ભાગમાંથી વધુ એક ભાગ કાઢવો પડે એવી સ્થિતિ છે. વળી આ રૂપિયો ચોક્કસ પાર્ટી સુધી પણ પહોંચતો હોવાની વાતો પણ ચોરે ને ચૌટે પોકારાઈ રહી છે.