fbpx

કોંગ્રેસની ‘યુક્તિ’ BJPએ પહેલા વાપરી, બંધારણ-અનામત મુદ્દે ‘હાથ’ બચાવની મુદ્રામાં

Spread the love

કોંગ્રેસે રમેલા અગાઉના દાવથી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં BJPએ એ જ દાવ રમીને કોંગ્રેસને ઘેરી લીધી છે. બંધારણીય ફેરફારો અને અનામતના મુદ્દે લોકસભાની ચૂંટણીમાં BJPને ઘેરનાર કોંગ્રેસ હવે આ મુદ્દાઓ પર પોતાની સફાઈ આપી રહી રહી છે.

BJPએ લોકસભાની ચૂંટણીમાંથી ગંભીરતાથી બોધપાઠ લીધો છે. પાર્ટીના મોટા નેતાઓ હવે સતત બંધારણીય ફેરફારો અને અનામતના મુદ્દે રાહુલ ગાંધીને ચારે બાજુથી ઘેરી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીએ બંધારણના નામે લાલ રંગની કોરા પાના સાથેની પુસ્તકો વહેંચીને બંધારણનું અપમાન કર્યું છે. તો અમિત શાહ હવે એવો સંદેશો આપી રહ્યા છે કે, જો બિન-BJP સરકાર બની તો કોંગ્રેસ પછાત વર્ગો અને દલિતોના ક્વોટાને લઘુમતીઓમાં વહેંચી દેશે, જેના કારણે આ વર્ગોને નુકસાન સહન કરવું પડશે.

અગાઉ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી દરમિયાન જોર જોરથી એવું નકારાત્મક નિવેદન ફેલાવ્યું હતું કે, BJP લોકસભામાં 400 બેઠકો જીતવા માંગે છે, જેથી તે બંધારણમાં સુધારો કરીને અનામતને નાબૂદ કરી શકે. આખા દેશમાં આ નકારાત્મક નિવેદન ભલે બહુ અસરકારક ન રહ્યું હોય પરંતુ UPમાં તે અસરકારક રહ્યું હતું. UPના મતદારોને BJPના સાંસદ લલ્લુ સિંહ તરફથી એક સાબિતી પણ મળી ગઈ હતી. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ અનામત ખતમ કરવાની વાત કરતા સંભળાયા હતા.

ઉત્તર પ્રદેશમાં દલિતો અને પછાત વર્ગોએ BJPનો સાથ લગભગ છોડી જ દીધો હતો. તેથી તે વખતના પરિણામ રાહુલ અને સમાજવાદી પાર્ટીના પક્ષમાં આવ્યા હતા. રાજ્યમાં BJPએ 29 બેઠકો ગુમાવી હતી. રાહુલ ગાંધી સતત પોતાની સાથે લાલ રંગની બંધારણની બુક લઈને મતદારો વચ્ચે ફરતા રહ્યા. તે સમયે તેમનું સૂત્ર હતું, બંધારણને બચાવવાનું છે. આ પુસ્તક મેળવવા અને તેને પોતાની સાથે રાખવા જેવા મુદ્દાઓ પર પણ તેમણે પત્રકારો સાથે ઘણી ચર્ચા કરી હતી. ત્યારે BJPના રણનીતિકારો તેની ગંભીરતા સમજી શક્યા ન હતા અથવા તો તે સમયે તેનો ઉકેલ શોધવામાં નિષ્ફળ ગયા.

બંધારણ ભલે પુસ્તકના રૂપમાં ભારતીય મતદારોના હાથમાં ન હોય, પરંતુ મતદારો તેના દ્વારા પૂરી પાડવામાં આવેલ સુરક્ષા ચોક્કસપણે અનુભવે છે. ખાસ કરીને વંચિત વર્ગના લોકો તેમના અસ્તિત્વને અનામત વ્યવસ્થા સાથે જોડાતા હોય છે. જ્યારે તેઓને શંકા ગઈ કે અનામત સામે ખતરો છે, ત્યારે તેમની પ્રતિક્રિયા આવે તે સ્વાભાવિક હતું. લોકસભાના પરિણામો પર મંથન કરતી વખતે BJPના નેતાઓ આ સારી રીતે સમજી ગયા હતા.

હવે પાર્ટીએ કંઇક એવી રણનીતિ તૈયાર કરી છે, જેનો જવાબ આપવો રાહુલ અને કોંગ્રેસ બંને માટે મુશ્કેલ થઈ રહ્યો છે. આ વખતે સૌથી પહેલા PM મોદીએ ઈમરજન્સીની તારીખ 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાની પણ જાહેરાત કરી હતી. ત્યારપછી મહારાષ્ટ્રમાં એક ચૂંટણી રેલીમાં તેમણે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ ભારતીય બંધારણના નામે કોરા પાનાવાળી એક પુસ્તક વહેંચીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે.

BJP જાણે છે કે, મહારાષ્ટ્ર બાબા સાહેબના અપમાનની વાતથી ખૂબ જ પ્રભાવિત થઇ જાય છે. આ વખતે રાહુલના વિરોધમાં કેટલાક વીડિયો પણ BJPના સોશિયલ હેન્ડલ્સ પર શેર કરવામાં આવ્યા છે. આ વીડિયો મહારાષ્ટ્રનો જ હોવાનું બતાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ નાગપુરમાં બંધારણીય સંમેલનનું આયોજન કર્યું હતું અને ત્યાં બંધારણની નકલો વહેંચવામાં આવી હતી.

આ પછી PM મોદીએ મહારાષ્ટ્રમાં તેમના ચૂંટણી ભાષણોમાં આ મુદ્દાને ખુબ જ સફાઈથી ઉઠાવ્યો હતો. ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના છતરપુરની ચૂંટણી સભામાં પોતાના ભાષણને આ મુદ્દાની આજુબાજુ જ રાખ્યું હતું. તેમણે સીધું કહ્યું કે, રાહુલ ગાંધી બંધારણની નકલી પુસ્તક વહેંચીને બાબા સાહેબનું અપમાન કરી રહ્યા છે. શાહે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અનામત અને સંવિધાનની વાત કરે છે, પરંતુ બંધારણ સાથે તે જ સૌથી વધુ રમત રમે છે. શાહે કહ્યું કે, બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી, પરંતુ કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ઉલેમાના પ્રતિનિધિમંડળને ખાતરી આપી છે કે તે મુસ્લિમોને 10 ટકા અનામત અપાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓનો હિસ્સો કાપીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે.

કોંગ્રેસના શાસનમાં વારંવાર કરાયેલા બંધારણીય સુધારાની ચર્ચા BJP દ્વારા કરવામાં આવી રહી છે, તેમાં એવું કહેવાય છે કે, કોંગ્રેસે બંધારણમાં સૌથી વધુ સુધારા કર્યા છે. આ ઉપરાંત ઈન્દિરાના શાસન દરમિયાન લેવામાં આવેલા મનસ્વી નિર્ણયોની પણ ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા આના બચાવમાં નિવેદનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ આ વખતે, ગત લોકસભા ચૂંટણી દરમિયાન આક્રમક દેખાતી પાર્ટીએ હવે આ ચૂંટણીમાં પોતાના બચાવમાં વારંવાર આવા નિવેદનો આપવા પડી રહ્યા છે.

Leave a Reply

error: Content is protected !!