fbpx

આ ખેલાડીની બેટિંગ જોઈને સૂર્યકુમાર યાદવના આંખમાં આંસુ આવી ગયા

Spread the love

સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં ફરી એકવાર તિલક વર્મા પોતાના કેપ્ટનના નિર્ણય પર 100 ટકા સાચો રહ્યો. ટીમ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતા તેણે કુલ 47 બોલનો સામનો કર્યો હતો. જેમાં તેણે 255.32ની સ્ટ્રાઈક રેટથી 120 અણનમ રન બનાવ્યા હતા. મેચ દરમિયાન જ્યારે તે ધૂઆંધાર અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ડગઆઉટમાં બેઠેલો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ભાવુક જોવા મળ્યો હતો. તેની આંખોમાં ખુશીના આંસુ દેખાતા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચ 135 રને જીતીને પોતાના નામે કરી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝ પર પણ 3-1થી કબજો કરી લીધો છે. ભારતની આ જીતનો હીરો તિલક વર્મા રહ્યો હતો.

તિલકે 47 બોલમાં અણનમ 120 રન બનાવ્યા હતા. તે સિવાય સંજુ સેમસને પણ સદી ફટકારી હતી. સંજુએ 56 બોલમાં અણનમ 109 રન બનાવ્યા હતા. મેચ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ બંને ખેલાડીઓના ખુબ વખાણ કર્યા હતા.

ભારતીય કેપ્ટને કહ્યું, ‘સ્થિતિઓને અનુરૂપ થવામાં કોઈ રહસ્ય નથી. અમારી યોજનાઓ પહેલાથી જ સ્પષ્ટ હતી. છેલ્લી વખતે અમે જ્યારે અહીં આવ્યા હતા ત્યારે અમે તે જ પ્રકારની ક્રિકેટ રમી હતી. અમે તેને જ ચાલુ રાખ્યું હતું. અમે આજની રમત વિશે વાત કરી અને બસ સારી આદતોને અનુસરવા માંગતા હતા. અમે પરિણામો વિશે વિચાર્યું ન હતું. આ બસ તેની જાતે જ થઇ ગયું.’

તિલક વર્મા અને સંજુ સેમસનની બેટિંગ અંગે ભારતીય T-20 કેપ્ટને કહ્યું, ‘મારા માટે બેમાંથી એકની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ છે. અભિષેક, સંજુ અને તિલકની બેટિંગમાં તેમની શ્રેષ્ઠ કુશળતા બતાવી હતી. અમે તેના વિશે વાત કરી અને તેઓ પણ તે મુજબ જ રમ્યા હતા.’

બોલિંગને લઈને સૂર્યાએ કહ્યું, ‘અમને ખબર હતી કે, તાપમાન ઘટ્યા પછી ચોક્કસપણે વિકેટમાં કંઈક થશે. અમે બસ તેને જ અનુસર્યું અને પરિણામ અમારી સામે છે.’ T20 વર્લ્ડ કપ 2024 વિશે, તેણે કહ્યું, ‘ICC ટૂર્નામેન્ટ જીતવાથી એક મોટું પ્રોત્સાહન મળે છે. અમે જે રીતે તેને જીત્યા તે અવિશ્વસનીય હતું.’

સપોર્ટ સ્ટાફ વિશે સૂર્યાએ કહ્યું, ‘તેઓ પહેલા દિવસથી જ મેચનો આનંદ માણી રહ્યાં છે. તેઓએ ખેલાડીઓ સાથે વાત કરી અને અમને શો ચલાવવા માટે કહ્યું. આજે પણ સંદેશ સ્પષ્ટ હતો, કે અમે જે ઇચ્છતા હતા તે કરવું, પછી ભલે તે ટોસ જીતવાનું હોય કે, પ્રથમ બેટિંગ કરવાનું હોય.’

આ છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા હતા અને ત્યારપછી બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ભારતીય ટીમના નામે ઘણા T20 રેકોર્ડ બની ગયા. આ મેચમાં ભારતે એક વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. આ T20 ઈન્ટરનેશનલમાં બીજો સૌથી મોટો સ્કોર છે. આ ફોર્મેટમાં સૌથી મોટો સ્કોર પણ ભારતના નામે છે, જે તેણે થોડા મહિના પહેલા હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો. આ મેચમાં ભારતે છ વિકેટ ગુમાવીને 297 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના નામે પણ એવા રેકોર્ડ નોંધાયેલા છે, જેને તે ક્યારેય પોતાની રેકોર્ડ બુકમાં નોંધવા માંગશે નહીં.

Leave a Reply

error: Content is protected !!