ભારતના એક ગામને કેન્દ્ર સરકારે બેસ્ટ ટુરિસ્ટ વિલેજનો ખિતાબ આપ્યો છે અને 27 નવેમ્બરે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં આ ગામને સન્માનિત કરવામાં આવશે. આ ગામ રાજસ્થાનના અજમેરમાં આવેલા દેવમાલી ગામ છે. આ ગામની અનેક ખાસિયત છે, એક તો આ ગામની અંદર એકપણ પાક્કા મકાન નથી. લોકો છાણ અને માટીના મકાનની અંદર રહે છે. પૈસા હોય છતા પાક્કા મકાન નથી બનાવતા એનું કારણ એવું છે કે ગામના લોકો માને છે કે ભગવાન દેવનારાયણને વચન આપેલું છે, કે ગામમાં કોઈ પાક્કું મકાન બનાવશે નહીં, એટલે આ પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે.
બીજી ખાસ વાત છે કે આ ગામમાં કોઈપણ ઘરમાં તાળા નથી મારવામાં આવતા. એનું કારણ છે ગામના લોકો માને છે ભગવાન દેવનારાયણ એમની સાથે ક્યારેય ખોટું નહીં કરે અને આ ગામમાં ક્યારેય ચોરીની ઘટના નથી બની.