US જસ્ટિસ ડિપાર્ટમેન્ટે અદાણી ગ્રુપ પર ભારતીય અધિકારીઓને લાંચ આપીને ફંડ અને રોકાણ એકત્ર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો પછી ભારતના પડોશી દેશોમાં ચાલી રહેલા અદાણી ગ્રુપના પ્રોજેક્ટ પર સવાલો ઉઠવા લાગ્યા છે. બાંગ્લાદેશે અદાણી પાવર ટ્રેડિંગ એગ્રીમેન્ટ સહિત મોટા પાવર જનરેશન કોન્ટ્રાક્ટની સમીક્ષા કરવા માટે એક પ્રતિષ્ઠિત કાનૂની અને તપાસકર્તા પેઢીની નિમણૂક કરી છે. શ્રીલંકાની કેબિનેટ ત્યાં ચાલી રહેલા અદાણી ગ્રુપના પ્રોજેક્ટ્સ પર અંતિમ નિર્ણય લેશે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બાંગ્લાદેશ સરકાર સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું કે, અદાણી ગ્રુપના પ્રોજેક્ટની સમીક્ષા કર્યા પછી તેને રદ કરી શકાય છે, અથવા આના પર ફરી વાતચીત શરૂ થઈ શકે છે. બાંગ્લાદેશ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 24 નવેમ્બરના રોજ, વીજળી, ઉર્જા અને ખનિજ મંત્રાલય સાથે જોડાયેલ રાષ્ટ્રીય સમીક્ષા સમિતિએ વચગાળાની સરકારને 2009 અને 2014ની વચ્ચે શેખ હસીનાના નિરંકુશ શાસન દરમિયાન આપવામાં આવેલા મોટા પાવર જનરેશન કોન્ટ્રાક્ટની સમીક્ષા કરવા માટે એક કાનૂની અને ઇન્વેસ્ટીગેટિવ ફર્મની નિમણૂક કરવા આદેશ આપ્યો હતો.
રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ કહ્યું કે, તે ઘણા કોન્ટ્રાક્ટની વિગતવાર તપાસ કરી રહી છે. તેમાં અદાણી (ગોડ્ડા) BIFPCL 1234.4 મેગાવોટ, પાયરા (1320 મેગાવોટ કોલસો), મેઘનાઘાટ (335 મેગાવોટ ડ્યુઅલ ફ્યુઅલ) અને મેઘનાઘાટ (584 મેગાવોટ ગેસ/RLNG) પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશ ઉપરાંત શ્રીલંકામાં પણ અદાણી ગ્રુપના પ્રોજેક્ટ પર ખતરો તોળાઈ રહ્યો છે. જો કે, અનુરા કુમારા ડિસાનાયકેના નેતૃત્વ હેઠળની નવી સરકારે હજુ સુધી અદાણી ગ્રીન સહિત જૂથના અન્ય પ્રોજેક્ટ્સ અંગે અંતિમ નિર્ણય લીધો નથી. શ્રીલંકાના એક દૈનિક અખબાર સાથે વાત કરતા, સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (CEB)ના પ્રવક્તા એન્જિનિયર ધનુષ્કા પરાક્રમસિંઘેએ જણાવ્યું હતું કે, આ બાબતની સમીક્ષા કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. પવન ઉર્જા પ્રોજેક્ટને લગતી દરખાસ્ત આગામી સપ્તાહમાં વિચારણા માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને અંતિમ નિર્ણય લેતા પહેલા કેબિનેટ અદાણી વિન્ડ એનર્જી પ્રોજેક્ટને લગતી તમામ વિગતોની સમીક્ષા કરશે.
થોડા દિવસો પહેલા, અનુરા કુમારા દિસાનાયકેની આગેવાની હેઠળની સરકારે દેશની સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, તે અગાઉની સરકાર દ્વારા અદાણી જૂથને પવન ઉર્જા પ્રોજેક્ટ માટે આપવામાં આવેલી મંજૂરી પર પુનર્વિચાર કરશે.