fbpx

હવા-પાણીથી ચાલશે કાર! બેડરૂમ, રસોડું અને અન્ય..

Spread the love

ઓફ-રોડિંગ વાહનો બનાવવા એ દક્ષિણ કોરિયાની કંપની કિયાની વિશેષતા નથી. પરંતુ હવે કંપની આ સેગમેન્ટમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. કિયાએ તાજેતરમાં યુરોપમાં PV5 અને PV7 નામની તેની ભવિષ્યની ઇલેક્ટ્રિક વાનનું અનાવરણ કર્યું હતું. જે કિયાના ‘પ્લેટફોર્મ બિયોન્ડ વ્હીકલ’ પર આધારિત છે.

હવે કંપનીએ લોસ એન્જલસ ઓટો શોમાં આ PV5 પર આધારિત તેની નવી ઇલેક્ટ્રિક વાન કોન્સેપ્ટ ‘PV5 WKNDR’ રજૂ કરી છે. જે હજુ પ્રાથમિક તબક્કામાં છે. ચોક્કસપણે, કિયા સ્પોર્ટેજ અને ટેલ્યુરાઇડ જેવા વૈશ્વિક મોડલ કેટલાક હળવા ઓફ-રોડિંગ રસ્તાથી આગળ નીકળી શકે છે, પરંતુ PV5 WKNDR ઇલેક્ટ્રિક વાન આ બધાથી દૂર લાગે છે.

આ ઈલેક્ટ્રિક વાન અંગે કંપનીનો દાવો છે કે, તેને કોઈ પણ પ્રકારનો રોડ હોય તે સ્થિતિમાં સારી કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે. તેની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં ‘હાઈડ્રો ટર્બાઈન’ વ્હીલ્સ આપવામાં આવ્યા છે. જે હવા અને પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરીને વાનની બેટરીને ચાર્જ કરવામાં મદદ કરે છે.

આ કોન્સેપ્ટ વેનનો સત્તાવાર વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, આ વાન તમને ઘરનો અહેસાસ કરાવશે. તેમાં લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન, વર્ક સ્ટેશન અને એડવેન્ચર પ્રેમીઓ માટે સર્ફિંગ બોર્ડની પણ સુવિધા આપવામાં આવી છે.

જો કે PV5 WKNDRને ઑફરોડિંગ વાહન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તે કટોકટીની પરિસ્થિતિઓમાં અન્ય વાહનો અથવા અન્ય ભારે વસ્તુઓને ખેંચવાની સુવિધા પણ પૂરી પાડે છે. તેના આગળના ભાગમાં ડિજિટલ ડિસ્પ્લે લગાવેલું છે, જે દર્શાવે છે કે વાન વાસ્તવિક સમયમાં કેટલું વજન ખેંચી રહી છે. જ્યારે તે કોઈ વજન ખેંચતું નથી ત્યારે તે નંબર પ્લેટ બની જાય છે.

અંદરથી, તે તેના બહારના દેખાવ કરતાં ઘણું મોટું લાગે છે. તેને વિવિધ પ્રકારના ફર્નિચર સાથેના લિવિંગ રૂમની જેમ વિચારો કે, જે તમે તમારા પસંદ મુજબ અલગ અલગ પ્રસંગો અનુસાર આગલા સ્તરની મોડ્યુલરિટી સાથે બદલી શકો છો. કો-ડ્રાઇવિંગ સીટને કોફી ટેબલમાં રૂપાંતરિત કરી શકાય છે, અને પાછળની તરફ ખસેડી શકાય છે.

તમે આ વેનના સ્ટીયરિંગ વ્હીલને ઉપરની તરફ પણ ફોલ્ડ કરી શકો છો, જેથી કરીને તમને ડ્રાઇવિંગ સીટની અંદર અને બહાર જવા માટે વધુ લેગરૂમ મળે. વાનની દિવાલોમાં ઘણી બેન્ચ સીટો સરસ રીતે ફીટ કરેલી છે. જ્યારે અંદર ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે તે વિવિધ પ્રકારના માઉન્ટ્સ માટે મોડ્યુલર રેક્સ બની જાય છે. જ્યારે તમે તેમને બહાર કાઢો છો, ત્યારે બેસવા માટેની જગ્યા બની જાય છે.

જ્યારે બેન્ચ સીટ તેની પાછળના ભાગમાં ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે તેના પર હૂક, દોરડું, હથોડી, રેંચ વગેરે જેવા વિવિધ પ્રકારનાં સાધનો લટકાવી શકાય છે. તેમાં ઘણા માઉન્ટિંગ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ રીતે વેનનો પાછળનો ભાગ તમારા માટે વર્ક સ્ટેશન તરીકે કામ આવી શકે છે.

વેનની છત પર ફોલ્ડિંગ રૂફ આપવામાં આવી છે, જેના પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. જ્યારે તમે વાનને ક્યાંક પાર્ક કરો છો, ત્યારે આ શેડને ઉપરની તરફ ઉઠાવી શકાય છે અને પેનલને સૂર્યપ્રકાશની દિશામાં ફેરવી શકાય છે. આ છત પર તમને બે લોકો માટે સૂવા માટે જગ્યા પણ આપે છે. જે મચ્છરદાનીથી ઢંકાયેલ છે. તેને કેમ્પરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

વાનના દરવાજા ખોલ્યા પછી, તમે બહારની તરફ એક રસોડું સેટઅપ પણ લગાવી શકો છો. તેમાં રેફ્રિજરેટર અથવા ડસ્ટબિન રાખવા માટે એક મોટું પૉપ-આઉટ પ્લેટફોર્મ પણ છે. આ પ્લેટફોર્મ પર એક નાનું ઇન્ડક્શન ઉપલબ્ધ છે, જેના પર તમે તમારી જરૂરિયાત મુજબ રસોઇ કરી શકો છો. આ બિલકુલ રિવિયન ટ્રાવેલ કિચન જેવું છે.

તેના વ્હીલ્સમાં પીળા રંગના ‘હાઈડ્રો ટર્બાઈન’ વ્હીલ્સ લગાવેલા છે, જે ઓફ-રોડ ટાયરથી સંપૂર્ણપણે અલગ છે. આ પૈડા પંખાની જેમ કામ કરે છે અને વીજળી પણ ઉત્પન્ન કરે છે. જો તમને લાગે કે આ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ જેવું છે. તો તે એવું બિલકુલ નથી, તે સંપૂર્ણપણે અલગ પ્રકારની ટેકનોલોજી છે.

કિયા ફ્યુચર ડિઝાઈન વિભાગના આન્દ્રે ફ્રેન્કો લુઈસનું કહેવું છે કે, આ ઈલેક્ટ્રિક વેનમાં આપવામાં આવેલ વ્હીલ એક ‘સ્પિનર’ છે, જે એક ટર્બાઈનની જેમ કામ કરે છે. જ્યારે આ વ્હીલ ફરે છે ત્યારે તેમાં સામેલ ટેક્નોલોજી વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે આ વ્હીલ હવા અથવા પાણીમાં ઉતરતી વખતે ફરે છે ત્યારે આ સિસ્ટમ સક્રિય થાય છે.

ધારો કે તમે તમારી વાન ક્યાંક પાર્ક કરી છે અને પવન સુસવાટા મારી રહ્યો છે. આ હાઇડ્રો ટર્બાઇન વ્હીલ્સ ફરશે અને તેમાંથી પેદા થતી ઉર્જાથી બેટરી રિચાર્જ કરી શકાશે. એટલું જ નહીં, આ ટર્બાઇન વ્હીલ્સ જ્યારે પાણી અને હવાના સંપર્કમાં આવશે ત્યારે તે ફરશે. જે ટર્બાઇનની જેમ વીજળી ઉત્પન્ન કરવામાં મદદ કરશે.

કિયાનો આ ઈલેક્ટ્રિક વાહન કોન્સેપ્ટ તમને થોડો વાઈલ્ડ લાગી શકે છે. પરંતુ ઇલેક્ટ્રિક આર્કિટેક્ચરને મોટું વિસ્તરણ આપવા તરફ કિયા દ્વારા લેવાયેલું આ પગલું પ્રશંસનીય છે. જ્યારે અન્ય કાર ઉત્પાદકો નાના અને શ્રેણી-કેન્દ્રિત ઇલેક્ટ્રિક વાહનો બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે Kiaએ વિશ્વ સમક્ષ ઑફ-રોડિંગ ઇલેક્ટ્રિક વાહનનો ખ્યાલ રજૂ કર્યો છે.

Leave a Reply

error: Content is protected !!