આ સમયે દેશભરમાં હવામાન એક કોયડો બની ગયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ પ્રેશર આજે ચક્રવાતી તોફાન ‘ફેંગલ’માં ફેરવાઈ જશે. ભારતીય હવામાન વિભાગે ફેંગલને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ચક્રવાત ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે તબાહી મચાવી શકે છે. IMDએ ભારે વરસાદને લઈને નારંગી અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળથી લઈને પંજાબ સુધી જોવા મળી શકે છે. તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ઈન્ડિગોની ફ્લાઈટને પણ અસર થઈ છે.
ફેંગલ વાવાઝોડાને લઈને એલર્ટને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈ જતી ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિકૂળ હવામાનના કારણે ચેન્નાઈ, તુતીકોરિન અને મદુરાઈની ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે. આ સિવાય તિરુચિરાપલ્લી અને સાલેમની ફ્લાઈટને પણ અસર થઈ રહી છે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર સર્જાયેલ ડિપ્રેશન મંગળવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 નવેમ્બરે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને તેની તીવ્રતા વધશે. ત્યારપછી તે આગામી બે દિવસમાં શ્રીલંકાના કિનારાને અડીને આવેલા તમિલનાડુના કિનારા તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે. જેના કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, 29 નવેમ્બરથી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે.
IMDએ ભારે વરસાદને લઈને નારંગી અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તામિલનાડુ અને પુડુચેરીમાં 27 થી 30 નવેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને માહેમાં 27મી નવેમ્બરે વરસાદ પડી શકે છે. 28-30 નવેમ્બર દરમિયાન આંધ્રપ્રદેશ, યનમ અને રાયલસીમામાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 28 નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે.
તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાનની ભારે અસર થઈ શકે છે. રસ્તાઓ પર પૂર આવી શકે છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અંડરપાસ બંધ થઈ શકે છે. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જવાની પણ શક્યતા છે. મોટા શહેરોમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે. કાચા રસ્તાઓને નજીવું નુકસાન થઈ શકે છે. જો કે ગુજરાતને અસર થાય એવું લાગતું નથી.
આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે બાગાયત અને ઉભા પાકને નુકસાન થવાની સંભાવના છે. ફેંગલ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ભારે વરસાદના એલર્ટને લઈને વહીવટીતંત્રે અનેક પગલાં લીધા છે. તમિલનાડુના ત્રિચી, રામનાથપુરમ, નાગપટ્ટનમ, કુડ્ડલોર, વિલ્લુપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં વરસાદને કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.