પર્થ ટેસ્ટમાં ભારતીય પેસર કેપ્ટન બુમરાહે ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇનઅપને ઘૂંટણિયે લાવી દીધી હતી. ભારતીય ટીમને શાનદાર જીત અપાવવામાં બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી બુમરાહના આ પ્રદર્શનના દરેક જગ્યાએ વખાણ થયા હતા. પરંતુ આ મેચ દરમિયાન કેટલાક લોકોએ બુમરાહના બોલિંગ એક્શન પર સવાલ પણ ઉઠાવ્યા હતા અને આ સવાલો ઉઠાવનારાઓને હવે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલે ખરાબ રીતે ઝાટકી નાખ્યા છે.
ઑસ્ટ્રેલિયાના એક સ્થાનિક અખબારમાં ગ્રેગ ચેપલે પોતાની કોલમમાં લખ્યું કે, ‘બુમરાહની એકશન વિશે બકવાસ વાતો કરવાનું બંધ કરો. તે એક વિશિષ્ટ એકશન છે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનું કંઈ પણ ખોટું નથી. આ વિશે વાત કરવાથી એક ચેમ્પિયન પરફોર્મર અને આ રમતનું અપમાન કર્યા જેવું થાય છે.’
હકીકતમાં, પર્થ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં, બુમરાહે ઘાતક બોલિંગ કરી અને 5 વિકેટ લીધી. જેના કારણે ઓસ્ટ્રેલિયાનો દાવ 104 રનમાં સમેટાઈ ગયો હતો. આ દરમિયાન અચાનક તેના એક્શનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થવા લાગી. આ અંગે અનેક લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. યૂઝર્સ તેની એક્શનમાં ચકિંગની ફરિયાદ કરી રહ્યા હતા. ચાલો તમને આવી જ કેટલીક પોસ્ટ વિશે જણાવીએ.
એક યુઝરે લખ્યું હતું કે, ‘જો કોઈ નિષ્ણાત હોય તો તેમણે જણાવવું જોઈએ કે બુમરાહનું એક્શન શા માટે કાયદેસર છે.’
જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘બુમરાહની સ્લો મોશન ટેકનિકનું ફોક્સ ક્રિકેટ દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને હું જોઈ શકું છું કે બુમરાહનો હાથ વાંકો છે અને તે ચકિંગ કરી રહ્યો છે.’
આવી રીતે અન્ય ઘણા લોકોએ તેમના એકશન પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા વર્ષ 2022માં બિગ બેશ લીગ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈનના એક્શન વિષે પણ આવું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ સવાલો ઉઠાવ્યા અને બુમરાહના એક્શનનો પણ ઉલ્લેખ કર્યો. ત્યારે પૂર્વ ઇંગ્લિશ બોલિંગ કોચ ઇયાન પોન્ટે બુમરાહની એક્શનનો ખુલાસો કર્યો હતો. તેણે ખુલાસો કર્યો હતો કે, બુમરાહનો હાથ કાંડાથી કોણી સુધી સીધો છે. નિયમ એ છે કે, કોણી 15 ડિગ્રીથી વધુ ન વળવી જોઈએ.
બુમરાહના પ્રદર્શનની વાત કરીએ તો તેણે પર્થ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પાંચ અને બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. હવે ચાહકોને આશા હશે કે, બુમરાહ શ્રેણીની બાકીની ટેસ્ટમાં પણ આવું જ પ્રદર્શન કરશે.