fbpx

હળદર-લીમડાથી કેન્સર સારા થવાના મુદ્દે બચાવમાં સિદ્ધુએ કહ્યુ- જે કંઈ પણ…

Spread the love

કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના તાજેતરના નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે, હળદર, લીમડો અને લીંબુ એટલે કે ઘરેલું આહારના નિયમિત સેવનથી તેમની પત્ની નવજોત કૌરનું ચોથા સ્ટેજનું કેન્સર 40 દિવસમાં ઠીક થઈ ગયું હતું. આ નિવેદન સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું હતું. આ દાવાને તબીબોએ પાયાવિહોણા જાહેર કર્યા હતા. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડૉક્ટરોએ આ અંગે સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે. આવી સ્થિતિમાં હવે સિદ્ધુ દ્વારા તેમના નિવેદન અંગે પોતાના બચાવમાં ખુલાસો પણ કરવો પડ્યો છે.

સિદ્ધુએ પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે, અમે જે પણ કર્યું છે તે ડોક્ટરોની સલાહ પર જ કર્યું છે. તેમણે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘મારા ઘરમાં પોતે એક ડોક્ટર છે. અમે જે પણ કર્યું છે, તે ડોકટરોની સલાહથી અને સહયોગથી જ કરવામાં આવ્યું છે. આ આહાર બનાવવામાં મારું કોઈ યોગદાન નથી. આયુર્વેદ વિજ્ઞાન અને જાપાનના મોટા ડોક્ટરો પણ ઉપવાસની વાત કરે છે. એક જૂની કહેવત છે કે, જેવું અન્ન, તેવું મન, તેવું તન(શરીર). આ ડાયટ ચાર્ટ સારવારની મદદરૂપ પ્રક્રિયા છે. આ આહારનો અમલ ડોક્ટરોની સલાહથી જ લાગુ કરવો જોઈએ. અમને જે વસ્તુથી ફાયદો થયો તેને હું વિશ્વભરના લોકો સાથે શેર કરવા માંગુ છું.’

આ વીડિયોમાં સિદ્ધુની સાથે તેમની પત્ની નવજોત કૌર પણ હતી. સિદ્ધુની પત્ની નવજોત કૌરે કહ્યું, ‘એક ડૉક્ટર તરીકે, મને પણ લાગ્યું કે માત્ર જે સારવાર ઉપલબ્ધ છે, તે જ કામ કરે છે અને તે સિવાય અમે આયુર્વેદ વગેરે વિશે પછીથી વિચારીશું. આયુર્વેદિક આહારથી મને ઘણી મદદ મળી છે. પરંતુ તેને છોડવાની નથી, આપણે તેનું પાછળથી પણ પાલન કરવું પડશે.’

જ્યારે, સિદ્ધુ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, તેમની પત્નીની સારવાર કરી રહેલા ડૉક્ટર ડૉ. રૂપિન્દર સિંહનું નિવેદન પણ છે. જેમાં તેમણે સિદ્ધુ અને તેમની પત્નીના ડાયટ પ્લાનના વખાણ કર્યા છે.

હવે જાણીએ સિદ્ધુના એ નિવેદન વિશે જેના પર ભારે હોબાળો થયો હતો. હકીકતમાં, નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, ‘તેમનું કેન્સર સાદા આહાર અને વ્યવસ્થિત જીવનશૈલીથી મટાડવામાં આવ્યું છે. ડૉક્ટરે મને કહ્યું હતું કે, મારી પત્નીના બચવાની શક્યતા માત્ર 5 ટકા છે. પરંતુ હળદર, લીમડાનું પાણી, એપલ સીડર વિનેગર અને લીંબુ પાણીના નિયમિત સેવન અને ખાંડ, કાર્બોહાઇડ્રેટ્સની સખત પરેજી અને થોડા થોડા ઉપવાસની મદદથી, તેને માત્ર 40 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.’

જ્યારે તેમનું નિવેદન વાયરલ થયું, ત્યારે 23 નવેમ્બરના રોજ, ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. C.S. પ્રમેશે 262 વર્તમાન અને ભૂતપૂર્વ કેન્સર નિષ્ણાતો (ઓન્કોલોજિસ્ટ્સ) દ્વારા હસ્તાક્ષરિત નિવેદન બહાર પાડ્યું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘એક પૂર્વ ક્રિકેટરનો તેની પત્નીને સ્તન કેન્સરની સારવાર કરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડેરી ઉત્પાદનો-ખાંડ ન ખાવા અને હળદર-લીમડાનું સેવન કરવાથી અસાધ્ય કેન્સર મટાડવામાં મદદ મળે છે. આ નિવેદનોને સમર્થન આપવા માટે કોઈ ઉચ્ચ ગુણવત્તાના પુરાવા નથી. જો કે આમાંના કેટલાક ઉત્પાદનો પર સંશોધન ચાલુ છે, પરંતુ હાલમાં કેન્સર વિરોધી એજન્ટ તરીકે તેમના ઉપયોગની ભલામણ કરવા માટે કોઈ ક્લિનિકલ ડેટા નથી.’

ડોક્ટર પ્રમેશે સાથે એમ પણ કહ્યું કે, આવી વાતો સાંભળીને કોઈએ મૂર્ખ ન બનવું જોઈએ. આ પ્રકારના દાવાઓ બિન વૈજ્ઞાનિક અને પાયાવિહોણા છે. નવજોત કૌરની સર્જરી અને કીમોથેરાપી કરવામાં આવી હતી. આ જ કારણ છે કે તેમને કેન્સરમાંથી રાહત મળી છે.

Leave a Reply

error: Content is protected !!