અમેરિકામાં ટ્રમ્પનું શાસન આવી ગયું છે, અને તેમની સાથે છે અમેરિકાને ‘ગ્રેટ અગેન’ બનાવવાની તેમની યોજના. આ માટે તેઓ સત્તા હાથમાં લે તે પહેલા જ આની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેમની યોજનામાં કેનેડા અને મેક્સિકોમાંથી ડ્રગ્સનો પુરવઠો અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવાનો પણ સમાવેશ થાય છે, જેના પર ટ્રમ્પે 25 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી હતી. આ ચેતવણી પછી કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ‘તેઓ જે કહે છે તે કરે છે’ અને ભારે ઉતાવળે સીધા ટ્રમ્પને મળવા પહોંચી ગયા.
કેનેડાના PM તેમના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર સાથે અમેરિકાના ફ્લોરિડા પહોંચ્યા હતા, જ્યાં તેઓ ગોલ્ફ ક્લબમાં ભાવિ US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. બંને નેતાઓએ સાથે ડિનર કર્યું અને મુદ્દાઓ પર ચર્ચા કરી. જો કે, આ વાતચીતને ગુપ્ત રાખવામાં આવી છે અને બંને વચ્ચેની સમજૂતીને સાર્વજનિક કરવામાં આવી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોમાંથી તમામ આયાતી ઉત્પાદનો પર 25 ટકા ટેક્સ લાદવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પહેલો આદેશ હશે. આ પછી ટ્રુડો અમેરિકા પહોંચ્યા અને G-7 દેશોમાં તે પહેલા નેતા છે, જે ચૂંટણી પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે. ચેતવણી પછી, તેમણે શનિવારે જ કહ્યું હતું કે, તેઓ ટેરિફ મુદ્દાને ઉકેલવા માટે ટ્રમ્પને મળશે.
PM જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં કરિયાણાની કિંમતો ઘટાડવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તેઓ તમામ ઉત્પાદનો પર 25 ટકા ટેક્સ લાગુ કરવાની વાત કરી રહ્યા છે. PM ટ્રુડોએ કહ્યું કે, ‘ટ્રમ્પ જે કહે છે, તે કરે છે.’ ઉદાહરણ તરીકે, તેઓ કહે છે, ‘એ સમજવું જરૂરી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ નિવેદન આપે છે, તેઓ તેનો અમલ કરવાની યોજના ધરાવે છે. તેમાં કોઈ શંકા નથી.’
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અંગે નિવેદન આપ્યું હતું અને આ સરહદોથી ઘૂસણખોરીની વાત કરી હતી. ઉદાહરણ તરીકે, US બોર્ડર પેટ્રોલિંગ ટીમે ઓક્ટોબર 2023 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે મેક્સિકન બોર્ડરથી 56,530 લોકોની અને કેનેડાની બોર્ડરથી 23,721 લોકોની ધરપકડ કરી હતી, જેઓ ગેરકાયદેસર રીતે USમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ટ્રમ્પ આને રોકવા માંગે છે.