સંબલ અને અજમેર શરીફ પર નીચલી અદાલતોએ આપેલા નિર્ણયોને કારણે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડ ટાર્ગેટ બની ગયા છે. તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમના નિર્ણયથી દેશમાં ધાર્મિક સ્થળોના સર્વે અને પિટિશનના દરવાજા ખુલી ગયા. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદોએ 2023માં વારાણસીના જ્ઞાનવાપી સંકુલના સર્વેની મંજૂરી આપતા ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. SPના સાંસદો ઝિયા-ઉર-રહેમાન બરક અને મોહિબુલ્લા નદવીએ કહ્યું, ‘ચંદ્રચુડનો નિર્ણય ખોટો હતો. આનાથી સર્વે અરજીઓનો માર્ગ વધારે ખુલ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ અને આવા સર્વેને રોકવા જોઈએ.’
પર્સનલ લો બોર્ડે પણ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આ નિર્ણય ‘પ્લેસ ઓફ વર્શિપ એક્ટ, 1991’ની ભાવના વિરુદ્ધ છે. બોર્ડે કહ્યું, ‘બાબરી મસ્જિદ કેસમાં, સુપ્રીમ કોર્ટે આ કાયદાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે 15 ઓગસ્ટ 1947 મુજબ કોઈપણ પૂજા સ્થળની સ્થિતિ બદલી શકાતી નથી. પરંતુ જ્ઞાનવાપી કેસમાં, કોર્ટે સર્વેની મંજૂરી આપીને તેની સ્થિતિ નરમ કરી હતી.’
જ્ઞાનવાપીના નિર્ણય પછી મથુરાની શાહી ઇદગાહ, લખનઉની ટીલા વાલી મસ્જિદ અને હવે સંબલની જામા મસ્જિદની સાથે અજમેર શરીફમાં મંદિર હોવાના દાવાઓ પર અરજીઓ દાખલ કરવામાં આવી છે. પર્સનલ લો બોર્ડ અને વિપક્ષનું કહેવું છે કે, આ સર્વે કોમી તણાવમાં વધુ વધારો કરી શકે છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘1991ના કાયદા અનુસાર, પૂજા સ્થળની સ્થિતિ બદલી શકાતી નથી. આવી સ્થિતિમાં આ સર્વેનો હેતુ શું છે?’
હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, 1991નો કાયદો ASI દ્વારા સંરક્ષિત સ્થળો પર લાગુ થતો નથી. તેમણે કહ્યું કે, ‘સંબલ સ્થળ ASI દ્વારા સુરક્ષિત છે. તેથી, પૂજા સ્થાનનો અધિનિયમ અહીં લાગુ પડતો નથી.’ 1950ના પ્રાચીન સ્મારક અધિનિયમનો ઉલ્લેખ કરીને જૈને કહ્યું કે, જો કોઈ સ્મારક ધાર્મિક સ્થળ હોય તો ASI તેની ધાર્મિક પ્રકૃતિ નક્કી કરશે અને સંબંધિત સમુદાયને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપશે.
3 ઓગસ્ટ, 2023ના રોજ, સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં ASI દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણની મંજૂરી આપી હતી. આ ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે, ‘1991ના અધિનિયમની કલમ 3 પૂજા સ્થળની ધાર્મિક પ્રકૃતિની ખાતરી કરવા માટે પ્રતિબંધિત કરતી નથી, જો કે કલમ 4 તેની સ્થિતિ બદલવા પર પ્રતિબંધ મૂકે છે.’ આ પછી અલ્હાબાદ હાઈકોર્ટે ડિસેમ્બર 2023માં મથુરાના શાહી ઈદગાહ સંકુલમાં સર્વેની મંજૂરી આપી હતી. એ જ રીતે મધ્યપ્રદેશની ભોજશાળામાં પણ સર્વેને લઈને વિવાદ થયો હતો.
RSSના વડા મોહન ભાગવતના 2022ના નિવેદનનો ઉલ્લેખ કરીને વિપક્ષે કહ્યું કે, દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી. કોંગ્રેસના નેતા ઈમરાન મસૂદે કહ્યું, ‘આ સર્વેનો ઉદ્દેશ્ય માત્ર સાંપ્રદાયિક તણાવ વધારવાનો છે.’ ભવિષ્યમાં આ સર્વે અને અરજીઓ પર સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી અને નિર્ણય પર દેશની નજર ટકેલી છે.