દિલ્હીમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આની પહેલા, હાલના દિવસોમાં દિલ્હી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ચૂંટણી પહેલા આ છેલ્લું સત્ર છે, તેથી રાજકીય નિવેદનો પણ જોરશોરથી આપવામાં આવી રહ્યા છે, આ દરમિયાન દિલ્હીના CM આતિશીએ BJPના વરિષ્ઠ નેતા અને દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાને એક અનોખી ઓફર આપી છે. હકીકતમાં, દિલ્હી એસેમ્બલીમાં બસ માર્શલોને કાયમી કરવાના મુદ્દે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી, એક એવો મુદ્દો કે જેને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો ચાલી રહ્યા છે.
CM આતિશી આંદોલનકારી બસ માર્શલોને કાયમી કરવા અંગેની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા, જે દરમિયાન તેમણે BJP નેતા વિજેન્દ્ર ગુપ્તાને ઓફર કરી હતી કે, જો વિજેન્દ્ર ગુપ્તા બસ માર્શલોને કાયમી કરવાના પ્રસ્તાવ માટે LGની મંજૂરી મેળવી આપે છે, તો CM આતિશી આગામી ચૂંટણીમાં તેમની સામે પોતાના પક્ષનો ઉમેદવાર નહીં ઊભા કરવાનો પ્રસ્તાવ મુકશે. વિજેન્દ્ર ગુપ્તા દિલ્હીના રોહિણીથી સતત 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, CM આતિશી અહીં જ ન અટક્યા, તેમણે એમ પણ કહ્યું કે, ઉમેદવાર ઉતારવાનું તો છોડો, તેઓ રોહિણીમાં આવીને વિજેન્દ્ર ગુપ્તાના પક્ષમાં ચૂંટણી પ્રચાર પણ કરશે.
દિલ્હીના 10 હજારથી વધુ બસ માર્શલ એક વર્ષથી પણ વધુ સમયથી રોજગાર પુનઃસ્થાપિત કરવા માટે આંદોલન કરી રહ્યા છે. તેમની માંગણી એ છે કે, તેમને કાયમી કરવા જોઈએ, નહીં કે તેમને થોડા મહિના માટે રોજગાર આપીને રાજકીય પક્ષોએ ચૂંટણીનું હથિયાર બનાવવા જોઈએ. આ પહેલા બસ માર્શલે દિલ્હીના CM અને લેફ્ટનન્ટ ગવર્નર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ તેમની વાત કોઈએ સાંભળી ન હતી.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ બસ માર્શલો અંગે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે, જ્યાં સુધી દિલ્હીમાં પ્રદૂષણ છે, એટલે કે ફેબ્રુઆરી મહિના સુધી તેમને ચાર મહિના માટે કામચલાઉ નોકરી આપવામાં આવે, પરંતુ બસ માર્શલોનું કહેવું છે કે, ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે, તે પૂર્ણ થતાંની સાથે જ સરકાર તેમની કાયમી કરવાની માંગને કચરા ટોપલીમાં નાંખી દેશે, તેથી તેઓ સતત રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, ઓક્ટોબરમાં દિલ્હીમાં CM આતિશી સરકારે માર્શલની નિમણૂકને લઈને કેબિનેટ નોટ પસાર કરી હતી. આ પછી, CM આતિશી, આમ આદમી પાર્ટી અને BJP ધારાસભ્યો સાથે, બસ માર્શલની પુનઃસ્થાપના અંગે કેબિનેટ નોટ પર મંજૂરી મેળવવા માટે લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાના કાર્યાલય પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, BJPના ધારાસભ્યો સચિવાલયમાંથી ભાગવા લાગ્યા હતા, પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજે તેમના પગ પકડીને રોક્યા. BJPના ધારાસભ્યોએ બચવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજ અને AAP નેતાઓએ તેમને ભાગવા દીધા ન હતા. AAPએ કહ્યું કે, CM આતિશી પોતે BJP ધારાસભ્યની કારમાં LG હાઉસ એટલા માટે ગયા કે જેથી કરીને BJPના ધારાસભ્યોને ભાગવાની કોઈ પણ તક ન મળે.