ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે, પરંતુ તેઓ આ પહેલેથી જ તેમના અસલી સ્વરૂપમાં આવી ગયા છે. ટ્રમ્પ અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયા છે. ડૉલરને ફટકો ન પડે તે માટે તેમણે બ્રિક્સ દેશોને ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે બ્રિક્સ દેશોને ધમકી આપી છે કે, જો તેઓ નવી બ્રિક્સ ચલણ બનાવશે અથવા ડૉલરની જગ્યાએ અન્ય કોઈ ચલણને સમર્થન આપશે, તો તે તે દેશો પર 100 ટકા ટેરિફ લાદશે. મતલબ કે, ડૉલરને નબળો પાડવાના કોઈપણ પ્રયાસની આ દેશો પર ભારે અસર થઈ શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, આવા પ્રયાસો કરનારા દેશોએ અમેરિકાને અલવિદા કહેવા માટે તૈયાર રહેવું જોઈએ.
BRICS જોડાણમાં સામેલ દેશોમાં ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. એટલે કે ટ્રમ્પની ધમકી આ દેશો માટે સીધી છે.
ટ્રમ્પે X પર પોસ્ટ કરીને કહ્યું, ‘બ્રિક્સ દેશો ડોલરથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે ઊભા ઉભા જોતા રહીએ તેવા દિવસો ગયા. અમને આ દેશો તરફથી પ્રતિબદ્ધતાની જરૂર છે કે, તેઓ ન તો નવું બ્રિક્સ ચલણ બનાવશે અને ન તો તેને શક્તિશાળી US ડૉલરથી બદલશે. જો બ્રિક્સ દેશો આવું કરશે, તો તેઓ 100 ટકા ટેરિફનો સામનો કરવા તૈયાર રહે, અને તેઓએ આ મહાન US અર્થતંત્રમાં પોતાના ઉત્પાદનોના વેચાણને ગુડબાય કહેવા માટે તૈયાર રહેવું પડશે, તેઓ બીજા કોઈ ‘મૂર્ખા’ને શોધી શકે છે! એવી કોઈ શક્યતા નથી કે, બ્રિક્સ આંતરરાષ્ટ્રીય વેપારમાં US ડોલરનું સ્થાન કોઈ લઇ શકે, અને જે કોઈ પણ દેશ આવું કરવાનો પ્રયાસ કરશે, તેણે USને જ ગુડબાય કહી દેવું પડશે.’
હકીકતમાં, 2023માં આયોજિત બ્રિક્સ સંમેલનમાં, બ્રિક્સ દેશોએ પોતપોતાનું ચલણ રજૂ કરવા અંગે ચર્ચા કરી હતી અને પરસ્પર વેપાર અને રોકાણ માટે એક સામાન્ય ચલણની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. આ સિવાય તાજેતરમાં ઓક્ટોબરમાં યોજાયેલી BRICS દેશોની સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા પર ડૉલરને હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. એમ પણ કહ્યું કે, તેઓ અમને કામ કરવા દેતા નથી, જો તેઓ ભવિષ્યમાં પણ આવું કરશે તો, અમને વિકલ્પ શોધવાની ફરજ પડશે. સ્વાભાવિક છે કે, હવે ટ્રમ્પે આવી કોઈપણ આશંકાઓ અગાઉથી જ ખતમ કરવાની ખુલ્લેઆમ ધમકી આપી દીધી છે.
ભારત બ્રિક્સ જૂથનો સભ્ય છે અને 100 ટકા ટેરિફ લાદવાની આ સ્થિતિ ભારત જેવા વિકાસશીલ દેશ માટે ચિંતાજનક છે, કારણ કે અમેરિકા સાથે ભારતનો વેપાર ઘણો મોટો છે. ભારત અમેરિકાથી માલની આયાત અને નિકાસ બંને કરે છે. માત્ર ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર 118.3 બિલિયન US ડૉલર હતો. આવી સ્થિતિમાં જો ટ્રમ્પ પોતાની ધમકીને વાસ્તવિક સ્થિતિમાં લાગુ કરશે તો ભારત મુશ્કેલીમાં પડી શકે છે.