
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલા હોબાળાનો આખરે અંત આવતો જણાઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એક મોટી માંગ સ્વીકારી લેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ તેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો દુબઈમાં રમશે. તેના બદલામાં, પાકિસ્તાન 2026 T20 વર્લ્ડ કપમાં ભારતનો સામનો કરવા માટે કોલંબો જશે અને આ સાથે તેઓ મહિલા ICC ઈવેન્ટનું આયોજન પણ કરશે.
જ્યારથી આ સમાચાર આવ્યા છે, ત્યારથી આખું પાકિસ્તાન ખુશ છે. દેશની અંદર લોકો તેની ઉજવણી પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પાકિસ્તાનની જીતના દાવાઓથી ભરાઈ ગયું છે. પરંતુ પાકિસ્તાનના એક પૂર્વ ક્રિકેટરે આ પ્રકારની માંગણીને ‘લોલીપોપ’ જેવી ગણાવી તેની ટીકા કરી છે અને PCBને આડે હાથ લીધી હતી. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે બાસિત અલી નામના આ પૂર્વ ક્રિકેટરે PCBની આકરી ટીકા કરી હતી.

બાસિતનો દાવો છે કે, પાકિસ્તાન ક્રિકેટને આ ડીલથી કોઈ ફાયદો નથી મળી રહ્યો. બોર્ડને અપીલ કરતાં તેણે કહ્યું કે, આ મહિલા ટૂર્નામેન્ટને બદલે પાકિસ્તાનને એશિયા કપની યજમાનીની માંગ કરવી જોઈતી હતી. બાસિતે કહ્યું, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનને 2027 અથવા 2028માં મહિલા વર્લ્ડ કપનું આયોજન કરવાનું મળશે. બધા લોકો કહેશે, વાહ! ભાઈ વાહ, આ કમાલ થઇ ગયો, પાકિસ્તાનમાં એક નહીં પરંતુ બે ICC ઇવેન્ટ. પરંતુ આવા આયોજનનો અર્થ શું છે? આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની ટીમ 2026માં ભારત જાય. તેના બદલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન આવશે. બ્રોડકાસ્ટર્સને કોઈ નુકસાન થશે નહીં. શું તમે જાણો છો કે લોલીપોપ શું છે?

આ એક લોલીપોપ છે, જે ICCના લોકો PCBને આપી રહ્યા છે. કે જો તમે આ માટે સંમત થાઓ છો, તો પછી લેખિતમાં કંઈપણ માંગશો નહીં અને અમે તમને બીજી ICC ઇવેન્ટ આપીશું. આનાથી પાકિસ્તાનને કોઈ ફાયદો નહીં થાય. તેણે તેના બદલે આવતા વર્ષે યોજાનાર એશિયા કપ માટે બોલી લગાવવી જોઈએ. PCBએ આ માંગ કરવી જોઈએ. PCBને મહિલા વર્લ્ડ કપ કે અંડર-19 વર્લ્ડ કપની યજમાની કરીને કશું મળશે નહીં. જો PCB આ લોલીપોપ સ્વીકારે છે, તો તેઓ હારી ગયા તેમ માનશે.’

ICCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચો પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. PCB અને BCCI એ વાત પર પણ સંમત થયા હતા કે, T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન લીગ મેચ ભારતમાં નહીં રમાય. પાકિસ્તાની ટીમ આ મેચ માટે કોલંબો જશે.
અહીં તમને જણાવી દઈએ કે, PCBના લોકો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઈબ્રિડ મોડલ પર પહેલાથી જ સહમત થઈ ગયા હતા. તેને ભારતીય ક્રિકેટ ટીમની મેચો પાકિસ્તાનથી બહાર કરાવવામાં કોઈ સમસ્યા નહોતી. પરંતુ તેના બદલામાં PCB ઇચ્છતું હતું કે પાકિસ્તાની ટીમને 2026ના T20 વર્લ્ડ કપ માટે ભારત જવા માટે દબાણ ન કરવું જોઈએ. PCBએ આગામી વર્ષના મહિલા ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી 2029 અને ODI વર્લ્ડ કપ 2031 માટે પણ આ જ વ્યવસ્થાની માંગ કરી હતી અને ICCએ તેમની ઓછામાં ઓછી એક માંગ તો સ્વીકારી જ લીધી છે.
