fbpx

મણિશંકર ઐય્યરે જણાવ્યું શું તેઓ ભાજપમાં જોડાશે?

Spread the love

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે તેમણે પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું છે. તેમણે અનેક પ્રશ્નો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ગાંધી પરિવાર સાથેના તેમના સમીકરણ અને પાર્ટીમાં તેમની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં તેમને સોનિયા ગાંધીને વ્યક્તિગત રીતે મળવાની તક મળી નથી. તેમને માત્ર એક જ વાર રાહુલ ગાંધી સાથે અર્થપૂર્ણ વાતચીત કરવાનો મોકો મળ્યો હતો, જ્યારે પ્રિયંકા ગાંધી સાથેની તેમની વાતચીત થોડા ફોન કોલ્સ સુધી મર્યાદિત હતી. અય્યરે કહ્યું કે, મારી રાજકીય સફર ગાંધી પરિવારે શરૂ કરી હતી અને સમાપ્ત પણ તેમણે જ કરી હતી.

હકીકતમાં, એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અય્યરે કહ્યું હતું કે, એકવાર તેણે પ્રિયંકા ગાંધીને ફોન કરીને રાહુલ ગાંધીને શુભકામનાઓ મોકલી હતી, તેમણે સોનિયા ગાંધી સાથે જોડાયેલો એક કિસ્સો જણાવ્યો હતો, જ્યારે તેમણે સોનિયા ગાંધીને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી અને સોનિયાએ જવાબ આપ્યો હતો કે હું ખ્રિસ્તી નથી. અય્યરે કહ્યું કે, તેઓ પોતે પણ કોઈ ધર્મમાં માનતા નથી, પરંતુ તમામ ધર્મોનું એક સરખું જ સન્માન કરે છે.

2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર અંગે ચર્ચા કરતા અય્યરે કહ્યું કે, પાર્ટી આવી અપમાનજનક હારને ટાળી શકી હોત. તેમણે સૂચન કર્યું કે, તે સમયે મનમોહન સિંહને રાષ્ટ્રપતિ અને પ્રણવ મુખર્જીને PM બનાવવા જોઈતા હતા. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીની બિમારી અને મનમોહન સિંહની તબિયત ખરાબ થવાને કારણે પાર્ટીનું નેતૃત્વ નબળું પડી ગયું છે. અય્યરે વધુમાં કહ્યું કે, જો પ્રણવ મુખર્જી PM હોત તો હાર થઈ હોત, પરંતુ આટલી મોટી હાર ન થઇ હોતે.

મણિશંકર ઐયરે કોંગ્રેસની વર્તમાન સ્થિતિ પર કહ્યું કે, પાર્ટીએ નમીને જીતતા શીખવું પડશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન INDIAમાં તેમની નેતૃત્વ મહત્વકાંક્ષા છોડી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસે તમામ સહયોગીઓનું સન્માન કરવું પડશે અને સ્થાનિક મુદ્દાઓ પર વિવાદોથી બચીને રહેવું પડશે.’ તેમણે INDIA ગઠબંધનના વખાણ કરતા તેને એક યોગ્ય પગલું ગણાવ્યું છે.

તેમના સંસ્મરણોમાં, અય્યરે 1990ના દાયકામાં હર્ષદ મહેતા કૌભાંડ સાથે સંબંધિત એક અનુભવનો પણ ઉલ્લેખ કર્યો હતો. આના પર તેણે કહ્યું કે, તત્કાલિન PM નરસિમ્હા રાવને મળ્યા પછી જ્યારે તેઓ ડૉ.મનમોહન સિંહના ઘરે પહોંચ્યા તો મનમોહન સિંહે તેમને ઘરની અંદર વાત કરતા રોક્યા. મનમોહને કહ્યું કે, તેમને શંકા છે કે તેમના ઘરને જાસૂસી માટે કવર કરવામાં આવ્યું હોઈ શકે.

અંતે, જ્યારે તેમને BJPમાં જવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અય્યરે એ પણ સ્પષ્ટ કર્યું કે, તેઓ કોંગ્રેસ પાર્ટી પ્રત્યેની તેમની વફાદારી ક્યારેય છોડશે નહીં. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને રહીશ. હું ક્યારેય BJPમાં જોડાઈશ નહીં. મણિશંકર ઐયરનો આ ઈન્ટરવ્યુ ચર્ચાનો વિષય બની રહ્યો છે.

error: Content is protected !!