ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે (28 ડિસેમ્બર) ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર રમત બતાવી. ભારતીય ટીમના પ્રથમ દાવમાં નીતિશે સદી ફટકારી હતી. નીતિશે 171 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા ઉપરાંત એક છગ્ગો ફટકાર્યો હતો. નીતીશની ટૂંકી ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ સદી હતી.
નીતિશ કુમાર રેડ્ડી જ્યારે ક્રિઝ પર આવ્યા ત્યારે ભારતનો સ્કોર છ વિકેટે 191 રન હતો અને ફોલોઓનનો ખતરો હતો. પરંતુ નીતિશની હિંમતભરી ઇનિંગ્સે ભારતને સંકટમાંથી ઉગારી લીધું. આ દરમિયાન જમણા હાથના બેટ્સમેન નીતિશે વોશિંગ્ટન સુંદર સાથે મળીને આઠમી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે રોહિત બ્રિગેડ ફોલોઓન બચાવવામાં સફળ રહી છે.
જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું, ત્યારે આ નિર્ણય પર સવાલો ઉભા થયા હતા. જોકે, નીતિશે પર્થ ટેસ્ટમાં પોતાના ડેબ્યૂ પર ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. નીતિશે પર્થ ટેસ્ટમાં 41 અને 38* રન બનાવ્યા હતા. આ પછી તેણે એડિલેડ ટેસ્ટમાં પણ બંને ઇનિંગ્સમાં 42-42 રન બનાવ્યા હતા. ગાબા ટેસ્ટમાં નીતીશના બેટમાંથી 16 રન આવ્યા જે ખૂબ જ કિંમતી હતા. ત્યારે નીતિશે રવિન્દ્ર જાડેજા સાથે સાતમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને ભારતને ફોલોઓન બચાવવામાં મદદ કરી હતી.
જો કે, પ્રથમ 3 ટેસ્ટ મેચમાં તેના શાનદાર પ્રદર્શન છતાં એવી ચર્ચા હતી કે, નીતિશ કુમાર રેડ્ડીને મેલબોર્ન ટેસ્ટ માટે પડતો મૂકવામાં આવી શકે છે. પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટને આ યુવા ખેલાડી પર પૂર્ણ વિશ્વાસ બતાવ્યો હતો. હવે 21 વર્ષના નીતિશે મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.
નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટની સફર આસાન રહી નથી. નીતિશ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના પિતાએ તેની કારકિર્દી માટે તેમની નોકરી છોડી દીધી હતી. તેમણે નીતિશને માર્ગદર્શન આપ્યું અને સારી રીતે પાલન પોષણ કર્યું. તેના પિતાની મહેનતનું જ પરિણામ છે કે, નીતિશ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર બનીને ઉભરી આવ્યા છે. નીતીશે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, તેમના પિતા જ એવા પ્રથમ વ્યક્તિ હતા, જેમણે તેના પર વિશ્વાસ કર્યો કે, તે એક સારો ક્રિકેટર બની શકે છે.
નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યાલાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્ર વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ભારતના અગ્રણી ઓલરાઉન્ડર હાર્દિકને મળ્યા પછી નીતિશની કારકિર્દી બદલાઈ ગઈ છે. મુત્યાલાએ કહ્યું, ‘NCAમાં તેના U19 દિવસો દરમિયાન, તેમને હાર્દિક પંડ્યા સાથે વાત કરવાનો મોકો મળ્યો. ત્યારથી તે માત્ર ઓલરાઉન્ડર બનવા માંગતો હતો.
26 મે 2003ના રોજ જન્મેલા નીતીશ કુમાર રેડ્ડી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના શરૂઆતથી જ મોટા ફેન હતા. તેણે આંધ્રપ્રદેશ માટે તેના વય જૂથમાં ટોપ ઓર્ડર પર પ્રભુત્વ જમાવ્યું છે. નીતિશે 2017-18ની સિઝનમાં વિજય મર્ચન્ટ ટ્રોફીની રેકોર્ડ બુકમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. હકીકતમાં, નીતિશે 176.41ની આશ્ચર્યજનક સરેરાશથી 1,237 રન બનાવ્યા હતા, જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ રન છે.
આ દરમિયાન તેણે એક ત્રેવડી સદી, બે સદી, બે અડધી સદી અને નાગાલેન્ડ સામે 366 બોલમાં 441 રન બનાવ્યા હતા. 2018માં વાર્ષિક પુરસ્કાર સમારંભમાં BCCI દ્વારા ‘અંડર-16 કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રિકેટર’ તરીકે પસંદ કરવામાં આવ્યો ત્યારે નીતિશ તેના બેટિંગ આઇડલ વિરાટને મળ્યો.
નીતીશ કુમાર રેડ્ડીની સ્થાનિક ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શાનદાર પ્રદર્શન પછી ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. નીતિશે આ વર્ષે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામેની મેચમાં T-20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ગ્વાલિયરમાં રમાયેલી મેચમાં નીતિશ 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. ત્યારપછી તેની બીજી T20 ઈન્ટરનેશનલમાં નીતિશે 74 રનની ઈનિંગ રમી હતી.
નીતીશ કુમાર રેડ્ડી માત્ર તેના બેટથી જ અજાયબી નથી કરતો, તે બોલથી પણ ધમાલ મચાવે છે. નીતિશે રણજી ટ્રોફી દરમિયાન મુંબઈ સામેની તેની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં 5 વિકેટ લીધી હતી. નીતિશે બાંગ્લાદેશ સામેની ડેબ્યૂ T20 સિરીઝમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં નીતિશે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ઝડપી છે.
નીતિશ કુમાર રેડ્ડીનો રેકોર્ડઃ 27 ફર્સ્ટ ક્લાસ મેચો-1063 રન-59 વિકેટ, 22 લિસ્ટ-A-403 રન-36.63 એવરેજ-14 વિકેટ, 23 T20-485 રન-6 વિકેટ, 3 T20I-90 રન-3 વિકેટ, 4 ટેસ્ટ-284* રન-3 વિકેટ.