બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન છેલ્લા કેટલાક સમયથી સિનેમાના પડદા પરથી ગાયબ છે. જોકે, તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘સિતારે જમીન પર’માં જોવા મળશે. એવું જોવામાં આવ્યું છે કે, આમિર જાહેરમાં દેખાવાથી અને લાઇમલાઇટમાં રહેવાથી દૂર રહે છે. મોટાભાગે તેને ટાળતા હોય છે. તે કોઈ પાર્ટી કે એવોર્ડ ફંક્શનમાં પણ જોવા મળતા નથી.
આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જણાવી રહ્યો છે કે, તે એવોર્ડ ફંક્શનમાં આવવાનું કેમ ટાળે છે. નાના પાટેકર સાથે વાત કરતા આમિરે કહ્યું, આ ખૂબ જ સબ્જેક્ટિવ અને ક્રિએટિવ ફિલ્ડ છે. આ કોઈ ટેનિસ મેચ તો છે નહીં કે બોલ લાઇનની બહાર ગયો કે અંદર આવ્યો. અથવા આ કોઈ રેસ તો છે નહીં કે એક વ્યક્તિ બીજા કરતા વધુ ઝડપથી દોડી રહી છે. તો આ પહેલો છે અને આ બીજો છે.
‘તો આપણે ફિલ્મોમાં કોઈને ફર્સ્ટ કે સેકન્ડ કેવી રીતે કહી શકીએ. કારણ કે તમારી ફિલ્મની સ્ટોરી અલગ છે. તમે ‘પરિંદા’ કરી છે, મેં ‘કયામત સે કયામત તક’ કરી છે. અમે અમારા અભિનયની તુલના કેવી રીતે કરી શકીએ. મને લાગે છે કે ભારતીયો આપણે ખૂબ જ લાગણીશીલ છીએ, અને એ સારી વાત પણ છે, આપણે પ્રેમાળ પણ છીએ, તેથી જ્યારે એવોર્ડ આપવાનો સમય આવે છે, ત્યારે આપણે તે વ્યક્તિને એવોર્ડ આપીએ છીએ, તેના કામને એવોર્ડ આપતા નથી. જ્યારે તે ઉંધી રીતે હોવું જોઈએ, વ્યક્તિ કોઈ પણ હોય, પછી ભલે તેનું નામ ગમે તે હોય, તેના કામના આપણે વખાણ કરવા જોઈએ. તો આપણે ભારતીયો તરીકે તે કરી શકતા નથી, આપણે તેની ઈજ્જત કરતા બોલીએ છીએ કે, નહીં ભાઈ કદાચ એને ખોટું લાગી જશે, તો એના ચક્કરમાં આપણે તે કરી શકતા નથી.’
આના પર નાના પાટેકરે કહ્યું, મારી તો સમસ્યા જ એ છે કે જે ચાર-પાંચ-છ માણસો જ્યુરીમાં હોય છે, તેમાંથી ત્રણ છાર સાથે તો મારો ઝઘડો થયેલો હોય છે, તેથી મારી તો અલગ જ વાત ચાલતી હોય છે.
નાના પાટેકરની આ વાત સાંભળીને આમિર ખાન હસી પડ્યો. અહીં તમને જણાવી દઈએ કે, આમિર ખાન છેલ્લે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. ફિલ્મને ખૂબ જ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. એવું કહેવું ખોટું નહીં હોય કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં, ત્યારપછી આમિરે વિચાર્યું કે, તે નિવૃત્તિ લઈને પરિવાર સાથે સમય વિતાવશે, પરંતુ આમિરનો મૂળ બદલાઈ ગયો અને તેણે વિચાર્યું કે, તે વર્ષમાં એક-બે ફિલ્મ કરશે, પરંતુ એક સારી કરશે. સાંજે 6 વાગ્યા પછી કામ નહીં કરે, પરિવારને સમય આપશે. આમિરે પોતાના બાળકો પાસેથી કામ અને અંગત જીવનમાં સંતુલન રાખવાનું શીખ્યા છે. આમિરે એક ઈન્ટરવ્યુમાં પણ આ વાત કહી હતી.