fbpx

મકરસંક્રાંતિ સુધી ગુજરાત ભાજપમાં આવશે મોટા ફેરફારો

Spread the love

દિલ્હીઃ ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે સમય કદાચ હવે આવી ગયો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ સહિત બીજા તમામ હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવા અંગે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હોવાની માહિતી બહાર આવી છે. ઉત્તરાયણ પહેલા નવી નિમણૂકો થઇ જશે, તેવી વાત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યોમાં ઉત્તરાયણ સુધીમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવાની ચર્ચા થઈ છે. ગુજરાતમાં પણ સીઆર પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ છે. તેઓ કેન્દ્રમાં મંત્રી બની ગયા છે. હવે ગુજરાત ભાજપમાં નવા અધ્યક્ષની નિમણૂંક થશે. કેન્દ્રમાં પણ જેપી નડ્ડાની ટર્મ પણ પૂરી થઈ ગઈ છે. એટલે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંક પણ જાન્યુઆરીના અંત સુધી કરવાનું નક્કી થયું છે.

એકવાર પ્રદેશ અધ્યક્ષોની નિમણૂકો થઇ ગયા બાદ રાષ્ટ્રીય અઘ્યક્ષની જાહેરાત થશે. મોટાભાગના રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધીમાં પ્રદેશ અધ્યક્ષોની નિમણુંક કરવા અંગે ચર્ચા થઈ છે. ભાજપમાં ટૂંક સમયમાં સંગઠન સ્તરે મોટો ફેરબદલ થવાનો છે. નવા વર્ષમાં પાર્ટીને જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંક પહેલા 50 ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ પૂર્ણ કરવાની હોય છે.

નિમણુક બાબતે SOP ઘડવામાં આવી: પાર્ટીમાં જિલ્લા અને શહેર પ્રમુખની નિમણુક બાબતે ચોક્કસ સિસ્ટમ એટલે કે SOP ઘડવામાં આવી છે. બીજેપી જિલ્લા અને શહેર પ્રમુખ બનવા માટે 45-60 વર્ષની વયમર્યાદા નક્કી કરાઇ છે. આ ઉપરાંત 7થી 8 વર્ષ સુધી સંગઠનમાં કામગીરીનો અનુભવ હોવો પણ જરૂરી છે. સતત બે ટર્મથી પ્રમુખ રહેલા પ્રમુખોને ત્રીજી તક આપવામાં આવશે નહીં. સંગઠનમાં કોઈ પણ કામ કરતી વ્યક્તિને જ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવશે. જિલ્લામાં બનનારા પ્રમુખની વયમર્યાદા ૩૫થી ૪૫ વર્ષની નક્કી કરવામાં આવી છે.

આ મિટિંગમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ ઉપરાંત તમામ રાષ્ટ્રીય મહાસચિવ અને સંગઠન ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યોના પ્રદેશ પ્રમુખો, સંગઠન મંત્રીઓ અને ચૂંટણી અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

Leave a Reply

error: Content is protected !!