ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં પોલીસે નકલી નોટો છાપીને બજારમાં તેને ફરતી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગમાં મદરેસા ચલાવતા મૌલવી અને તેની પાંચ પત્નીઓનો સમાવેશ થાય છે.
ભારતમાં નકલી નોટોની સમસ્યા ખુબ જ જોવા મળે છે અને એમ જોઈએ તો તે જાણે સામાન્ય થઇ ગયું હોય તેમ લાગે છે. જો તમારા હાથમાં કડકડતી નોટો આવે, તો પછી ATMમાંથી ઉપાડવાને બદલે, તે નકલી રીતે પણ છાપવામાં આવી હશે. UPના શ્રાવસ્તીમાં પોલીસે આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગમાં એક મૌલવી પતિ અને તેની પાંચ પત્નીઓનો સમાવેશ થતો હતો, જે નકલી નોટો છાપીને બજારમાં ફરતી કરતા હતા.
કેસની તપાસ કરતા જાણવા મળ્યું કે, તે વ્યક્તિ મદરેસામાં નકલી નોટો છાપતો હતો. તે પછી તે તેની પાંચ પત્નીઓને નોટોના બંડલો આપતો હતો અને પછી તેની પત્નીઓ આ નોટોના બંડલ લઈને ખરીદી માટે બજારમાં જતી હતી. મહિલાઓ ગ્રામીણ વિસ્તારોમાં જઈને બજારોમાં ખરીદી કરતી, જેથી કોઈ તેમની નોટો પકડી ન શકે. આ રીતે આ બધા મળીને ઘણા સમયથી નકલી નોટોનો ધંધો ચલાવી રહ્યા હતા.
પોલીસને ઘણા સમયથી મલ્હીપુરમાં નકલી નોટો છાપવાના સમાચાર મળી રહ્યા હતા. પોલીસે અનેક વખત દરોડા પાડીને નકલી નોટો છાપતી ગેંગને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી હતી. પરંતુ ગુપ્ત માહિતીના આધારે નવા વર્ષના દિવસે પોલીસે ધર્મરાજ શુક્લા, રામસેવક અને અવધેશ પાંડે નામના લોકોને નકલી નોટો સાથે પકડી પાડ્યા હતા. તે લોકોની કડક રીતે પૂછપરછ કરવામાં આવી ત્યારે જઈને આ મૌલવી સાહેબના કારનામા બહાર આવ્યા.
આરોપી પાસેથી નકલી નોટો અને એક પિસ્તોલ પણ મળી આવી હતી. તે લોકોએ પોલીસને ગંગાપુર નજીક ફૈજુરનબી મદ્રેસાનું સરનામું જણાવ્યું હતું. તપાસ માટે ત્યાં ગયા પછી પોલીસ ચોંકી ઉઠી હતી. ત્યાં નકલી નોટો છાપવા માટેનું આખું સેટઅપ લગાવવામાં આવ્યું હતું. પોલીસને ત્યાંથી બે પ્રિન્ટર, બે લેપટોપ, શાહીની ચાર બોટલ અને હજારોની કિંમતની નકલી નોટોના બંડલ મળી આવ્યા હતા. પોલીસને રૂમમાંથી રૂ. 14,500ની અસલ નોટો પણ મળી આવી હતી. આ ઉપરાંત ત્યાં અંદરથી પિસ્તોલ અને મોબાઈલ ફોન પણ મળ્યા હતા. મૌલવી મુબારક અલીએ પોલીસને જણાવ્યું કે, તેણે યુટ્યુબ પરથી નકલી નોટો છાપવાની પદ્ધતિ શીખી હતી. તે નોટો છાપતો હતો, જેને તેની પાંચ પત્નીઓ બજારમાં જઈને ખરીદી કરીને આવતી હતી.