fbpx

એકલો રોહિત શર્મા નહીં, ભારતીય ટીમની હાર માટે આ ખેલાડીઓ પણ જવાબદાર છે

Spread the love

બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની સિરીઝ ચાલી રહી છે. આ શ્રેણીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમને 184 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ મેચના પાંચમા દિવસ (30 ડિસેમ્બર)ના છેલ્લા સેશનમાં તેની આખી ટીમ 155 રનમાં જ સમેટાઈ ગઈ હતી. હવે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 જાન્યુઆરીથી રમાશે.

જો આમ જોવા જઈએ તો, 340 રનના લક્ષ્યનો પીછો કરવો… તે પણ ચોથી ઇનિંગ્સમાં સરળ તો નથી જ. પરંતુ જે રીતે MCG પિચ પરની રમત હતી, ભારતીય દિગ્ગજ ખેલાડીઓ પાસેથી આશા તો હતી જ. જો ભારતે જીત મેળવવી હોતે તો 92 ઓવરમાં આ લક્ષ્યનો પીછો કરવાનો હતો, પરંતુ જીતીને તો છોડી દો, ભારતીય ટીમ મેચ ડ્રો પણ ન કરી શકી. વિરાટ કોહલી, રોહિત શર્મા, KL રાહુલ, રવિન્દ્ર જાડેજા અને નીતિશ રેડ્ડીએ મેચની ચોથી ઇનિંગમાં કોઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. આ પાંચેય ક્રિકેટ યોદ્ધાઓ ચોથા દાવમાં સસ્તામાં આઉટ થઇ ગયા હતા. આ પાંચેય ખેલાડીઓ ક્રિઝ પર ટકી રહીને રમવાની હિંમત બતાવી શક્યા ન હતા. ઓછામાં ઓછી આ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાના ટેલ-એન્ડર સ્કોટ બોલેન્ડ અને નાથન લિયોન પાસેથી પ્રેરણા લઈ શક્યા હોત, જેમણે છેલ્લી વિકેટ પર 20 ઓવર સુધી બેટિંગ કરી હતી.

પ્રથમ કેપ્ટન રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યો, જે ફ્લિક શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે પેટ કમિન્સના બોલ પર ગલી પ્રદેશમાં મિશેલ માર્શના હાથે કેચ આઉટ થયો. રોહિત થોડો સેટ થઇ ગયો હતો અને આઉટ થતા પહેલા તે 39 બોલ રમ્યો હતો. KL રાહુલના ડિફેન્સ રમવાની ઘણી પ્રશંસા થઈ રહી હતી, પરંતુ આ ઈનિંગમાં તે માત્ર 5 બોલ જ રમી શક્યો હતો. કમિન્સે પણ રાહુલને ચાલતો કર્યો હતો. ત્યારપછી વિરાટ કોહલી પણ 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર ખ્વાજાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીની જૂની નબળાઈએ આ ઈનિંગમાં પણ તેનો પીછો છોડ્યો નહીં અને તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થઈ ગયો.

જો કે, આપણે યશસ્વી જયસ્વાલ અને રીષભ પંતની પ્રશંસા કરવી પડશે જેમણે ક્રિઝ પર રહેવાની હિંમત બતાવી. પંત અને યશસ્વી વચ્ચે 88 રનની ભાગીદારી થઈ હતી. રીષભની ધીરજ આખરે જવાબ આપી ગઈ અને તે ટ્રેવિસ હેડના બોલ પર મોટો શોટ મારવાના પ્રયાસમાં મિશેલ માર્શના હાથે કેચ થઈ ગયો. રીષભે 104 બોલમાં બે ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. ચાલો કંઈપણ હોય, રીષભ લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી રહ્યો હતો.

રીષભ પંતના આઉટ થયા પછી ભારતને રવિન્દ્ર જાડેજા અને નીતિશ રેડ્ડી પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ બંનેએ યશસ્વીનો સાથ છોડી દીધો હતો. જાડેજા (2 રન) સ્કોટ બોલેન્ડના હાથે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. પ્રથમ દાવનો સદી કરનાર નીતિશ કુમાર રેડ્ડી 1 રન બનાવીને નાથન લિયોનનો શિકાર બન્યો હતો. ભારતીય ટીમે 9 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મેચ ડ્રો કરવાની સમગ્ર જવાબદારી યશસ્વી પર આવી ગઈ, પરંતુ થર્ડ અમ્પાયરના ખરાબ નિર્ણયે તેનું દિલ તોડી નાખ્યું. ત્યારે ઓસ્ટ્રેલિયાની જીત એક ઔપચારિકતા રહી ગઈ હતી. ભારતીય ટીમે તેની છેલ્લી 7 વિકેટ 20.3 ઓવરમાં માત્ર 34 રનમાં જ ગુમાવી દીધી હતી.

MCG ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

MCG ટેસ્ટમાં ભારતના પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), KL રાહુલ, વિરાટ કોહલી, રીષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

Leave a Reply

error: Content is protected !!