અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક US પ્રમુખપદની ચૂંટણી પછીથી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. આ વખતે તે તેના એક અર્બન રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે છવાયેલા છે, જે તેઓ ટેક્સાસના દરિયા કિનારે બનાવવા જઈ રહ્યા છે. એવા અહેવાલ છે કે, એલોન મસ્ક સ્પેસએક્સ લોન્ચ કરનાર શહેર ટેક્સાસમાં SpaceX કર્મચારીઓ માટે એક અલગ અને સમર્પિત શહેર બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં, મસ્કે ટેક્સાસમાં તેમની કંપનીનો વિસ્તાર કર્યો છે. તેઓએ તેમની કંપનીઓને કેલિફોર્નિયાથી અહીં સ્થાનાંતરિત કરી છે અને ટેક્સાસના કેટલાક વિસ્તારોમાં અસંખ્ય ઓફિસો, ગોડાઉન અને ઉત્પાદન સુવિધાઓની સ્થાપના કરી છે.
હકીકતમાં, એલોન મસ્કના સ્પેસએક્સે એક દાયકા પહેલાં ટેક્સાસના દરિયાકાંઠે કામગીરી શરૂ કરી ત્યારથી, મસ્કની કંપનીએ મેક્સિકો સરહદે હજારો નોકરીઓ ઊભી કરી છે. આટલું જ નહીં, આ કેન્દ્રમાંથી ઘણા રોકેટ પણ છોડવામાં આવ્યા છે અને સ્ટારબેઝ નામના વિસ્તારમાં ઘણા નવા મકાનો બનાવવામાં આવ્યા છે. હવે તેની યોજના આખા શહેરને વસાવવાની છે.
સ્ટારબેઝ દરિયાકાંઠાનું શહેર હશે. એલોન મસ્કએ આ શહેરનું નામ, સ્ટારેબસ સૂચવ્યું છે, જે સ્પેસએક્સ રોકેટ લોન્ચ સાઇટની આસપાસ કેન્દ્રિત છે અને તેના પર આધારિત છે. મસ્કને આશા છે કે, આ વિસ્તાર સ્પેસએક્સની કામગીરીમાં મદદ કરશે, કારણ કે તેના કર્મચારીઓ પાસે કાર્યસ્થળની નજીક એક સમર્પિત અને સત્તાવાર શહેર હશે, જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. કેમેરોન કાઉન્ટીના ન્યાયાધીશ AD ટ્રેવિનો જુનિયર દ્વારા આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, સ્પેસએક્સના 3,400 કરતાં વધુ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો હાલમાં સ્ટારબેઝ સાઇટ પર કાર્યરત છે.
મસ્ક ઘણા વર્ષોથી સ્પેસએક્સ લોન્ચ સાઇટને શહેરમાં ફેરવવાના વિચાર પર કામ કરી રહ્યા છે. સ્પેસએક્સે સૌપ્રથમ 2021માં આ યોજના વિશે કેમેરોન કાઉન્ટી, ટેક્સાસમાં અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. અગાઉ, કંપનીએ પોસ્ટલ ડિલિવરી હેતુ માટે આ વિસ્તારનું નામ બદલવાની વિનંતી કરી હતી. આને લગતી એક અરજી હજુ ફેડરલ એજન્સી પાસે પેન્ડિંગ છે, પરંતુ હવે મસ્કે દરિયાકાંઠાના વિસ્તારમાં આખું શહેર બનાવવાની યોજના બનાવી છે. આમ કરવાથી તેમને વિશેષ લાભ મળવાની અપેક્ષા છે. મીડિયા સૂત્રોના એક અહેવાલ અનુસાર, એક શહેર તરીકે, સ્ટારબેઝ રાજ્ય અને સંઘીય અનુદાન માટે લાયક ઠરશે. આ ઉપરાંત, શહેરને મુકદ્દમામાંથી થોડી છૂટછાટ મળી શકશે અને મિલકત જપ્ત કરવાનો અધિકાર પણ મળી શકશે.
સ્ટારબેઝ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારે મેક્સિકોના અખાત પર દક્ષિણ ટેક્સાસમાં રિયો ગ્રાન્ડે વેલીમાં કેમેરોન કાઉન્ટીમાં સ્થિત છે. તે હાઈવે 4થી થોડે દૂર છે અને બોકા ચિકા નામના નાના શહેરની આસપાસ છે, જે અગાઉ કોપરનિક શોર્સ તરીકે ઓળખાતું હતું. તેની નજીકના મુખ્ય શહેરો અને પ્રવાસન સ્થળોમાં બોકા ચિકા બીચ, બ્રાઉન્સવિલે, સાઉથ પેડ્રે આઇલેન્ડ અને પોર્ટ ઇસાબેલનો સમાવેશ થાય છે.
અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં એલોન મસ્કે પોતાની કંપનીઓને ટેક્સાસમાં શિફ્ટ કરવાની શરૂઆત કરી હતી. અહીં તેમને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ મળી રહ્યું છે. આ વર્ષે જુલાઈમાં મસ્કે સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xની ઓફિસને કેલિફોર્નિયાથી ટેક્સાસ ખસેડવાની જાહેરાત કરી હતી. પછી સપ્ટેમ્બરમાં, મસ્ક એક દાયકા કરતાં વધુ સમયથી કેલિફોર્નિયામાં રહેતાં, સાન ફ્રાન્સિસ્કોથી બેસ્ટ્રોપ, ટેક્સાસ ખાતે Xનું મુખ્ય મથક ખસેડ્યું. 2021માં, ટેસ્લાનું હેડક્વાર્ટર પણ ટેક્સાસમાં ખસેડવામાં આવ્યું છે, જો કે ટેસ્લાના ઉત્પાદન અને એન્જિનિયરિંગ એકમો હજુ પણ કેલિફોર્નિયામાં કાર્યરત છે.