fbpx

કમિન્સે થર્ડ અમ્પાયરના નિર્ણય પર DRSની માંગ કરતા,ઈરફાને 2008ની બેઈમાની યાદ અપાવી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પૈકી હાલમાં રમાઈ રહેલી મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસે ઘણો ડ્રામા થયો હતો. મેચની શરૂઆતમાં જ સવાર સવારમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કંઈક એવું કર્યું જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે થર્ડ અમ્પાયરના નિર્ણય પર DRSની માંગ કરી હતી. જેના કારણે ઈરફાન પઠાણે તેને ખરાબ રીતે ટ્રોલ કર્યો હતો.

હકીકતમાં આ ઘટના ચોથા દિવસની રમતના ત્રીજી જ ઓવરમાં બની હતી. પેટ કમિન્સ પોતે આ ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. કમિન્સે સારો યોર્કર ફેંક્યો હતો, જેને સિરાજે રોક્યો હતો. બોલ તેના બેટ સાથે અથડાયો અને સ્લિપ તરફ ગયો. જે સ્ટીવ સ્મિથે કેચ કર્યો હતો. કમિન્સ સાથે આખી ઓસ્ટ્રેલિયન ટીમ આની ઉજવણી કરવા લાગી. જો કે, મેદાન પરના અમ્પાયરને ખાતરી ન હતી તેથી તેણે થર્ડ અમ્પાયરનો ઉલ્લેખ કર્યો. થર્ડ અમ્પાયરે ઘણી વખત રિપ્લે જોયા પછી સિરાજને નોટઆઉટ જાહેર કર્યો હતો. ત્રીજા અમ્પાયરે સ્વીકાર્યું કે તે બમ્પ શોટ હતો. મતલબ કે બોલ બેટ સાથે અથડાયો અને જમીન પર અથડાઈને (બમ્પ થઈને) સ્મિથ પાસે ગયો હતો.

પેટ કમિન્સ થર્ડ અમ્પાયરના આ નિર્ણય સાથે સહમત હોય તેવું લાગતું ન હતું. તેણે મેદાન પરના અમ્પાયર પાસે DRSની માંગણી કરી. પરંતુ અમ્પાયરે તેની માંગને નકારી કાઢી હતી. મેદાન પરના અમ્પાયરના મતે, આ નિર્ણય થર્ડ અમ્પાયરે આપ્યો હોવાથી તેના પર DRS લાગુ થશે નહીં. અહીં કેપ્ટન કમિન્સ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાતા હતા. તે અમ્પાયરને કંઈક કહેતો પણ જોવા મળ્યો હતો. કમિન્સનું આ રિએક્શન જોઈને કોમેન્ટ્રી કરી રહેલા ઈરફાન પઠાણે તેને ટ્રોલ કર્યો હતો. પઠાણે કહ્યું, ‘પેટ કમિન્સ થર્ડ અમ્પાયરના રિવ્યુ પર રિવ્યુ માંગી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાને લાગે છે કે આ 2008 છે, પરંતુ આ 2008 નથી.’

હકીકતમાં, જ્યારે ભારતીય ટીમે 2008માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો, ત્યારે ઘણી વખત બેઈમાની કરવામાં આવી હતી. ખાસ કરીને સિડની ટેસ્ટમાં તો હદ થઈ ગઈ હતી. અમ્પાયર સ્ટીવ બકનર અને માર્ક બેન્સને ઘણી વખત ભારતીય ટીમ વિરુદ્ધ નિર્ણયો આપ્યા હતા. જેમાં એન્ડ્રુ સાયમન્ડને નોટઆઉટ આપવો અને રાહુલ દ્રવિડને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો હતો. આ મેચમાં ખરાબ અમ્પાયરિંગના કારણે ભારત 122 રનથી ટેસ્ટ મેચ હારી ગયું હતું.