fbpx

ચોથી ટેસ્ટમાં હાર બાદ રોહિત શર્માએ ઘણી વસ્તુઓ બદલવી પડશે…

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચને ઓસ્ટ્રેલિયાએ જીતીને સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. એકસમયે મેચ ડ્રો કરી લઈશું એવું લાગતું હતું પણ ભારતીય ટીમે ફરીએકવાર ફેન્સને નિરાશ કર્યા હતા. આ હાર બાદ ફરીએકવાર રોહિત શર્મા પર સવાલો ઉઠ્યા હતા. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, મેચ જીતવા માટે તમે જે કરવા આવ્યા છો તે કરી શકતા નથી ત્યારે માનસિક રીતે પરેશાન થઈ જવાય છે. આ તદ્દન નિરાશાજનક છે. મેચ જીતવાના રસ્તાઓ હોય છે અને અમે અહીં મેચ જીતવાના રસ્તાઓ શોધવામાં નિષ્ફળ ગયા. અમે અંત સુધી લડવા માગતા હતા પણ કમનસીબે અમે તેમ કરી શક્યા નહીં.

રોહિતે વધુમાં કહ્યું કે, અમે 90 રનમાં ઓસ્ટ્રેલિયાની છ વિકેટ પાડી દીધી હતી. અમે જાણતા હતા કે અમારા માટે પણ વસ્તુઓ સરળ નહીં હોય પરંતુ અમે મુશ્કેલ સંજોગોમાં પણ જુસ્સો બતાવવા માગતા હતા. જોકે અમે આમ કરવામાં નિષ્ફળ ગયા. હું મારા રૂમમાં ગયો પછી વિચારતો હતો કે આપણે એક ટીમ તરીકે બીજું શું કરી શક્યા હોત. અમે જે પણ તકો બનાવી છે તે અમે વેડફી નાખી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સખત સંઘર્ષ કર્યો. ખાસ કરીને છેલ્લી વિકેટ માટે તેમની ભાગીદારીએ મેચ અમારાથી છીનવી લીધી.

રોહિતે કહ્યું અમે જાણતા હતા કે 340 રન બનાવવા સરળ નહીં હોય. અમે છેલ્લા બે સેશન માટે પ્લેટફોર્મ સેટ કરવાનો અને વિકેટ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે પણ સારી બોલિંગ કરી. અમે લક્ષ્ય સુધી પહોંચવા માગતા હતા, પરંતુ અમે તેના માટે પ્લેટફોર્મ તૈયાર કરી શક્યા નહીં.

માનસિક રીતે આ હાર ખૂબ જ પરેશાન કરનારી છે, મેં મેચમાં ઘણી વસ્તુઓ અજમાવી, પરંતુ અમે ઇચ્છતા હતા એવું પરિણામ ન મળ્યું. જ્યારે પરિણામો આપણી વિરુદ્ધ હોય ત્યારે તે નિરાશાજનક હોય છે. પાછળથી જે બન્યું તેના વિશે આપણે બહુ વિચારવું ન જોઈએ. કેટલાક પરિણામો અમારા પક્ષમાં ન હતા, જેના કારણે હું કેપ્ટન તરીકે ખૂબ નિરાશ છું.

એક ટીમ તરીકે અમારે ઘણા ફેરફારો કરવા પડશે. મારે મારા વિશે ઘણી વસ્તુઓ બદલવી પડશે. અમે ખામીઓ પર કામ કરીશું અને જોઈશું કે શું કરી શકાય. હજુ એક મેચ બાકી છે, જો અમે સારું રમીશું તો સીરિઝ 2-2 થી બરાબર થઈ શકે છે.