fbpx

USના રાષ્ટ્રપતિ રહેલા જીમી કાર્ટરનું નિધન,ભારતના એક ગામનુ નામ તેમના પર કંઈ રીતે?

અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું રવિવારે 100 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. કાર્ટરના ભારત સાથે પણ ગાઢ સંબંધો હતા. ભારતની મુલાકાત લેનારા તેઓ ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ હતા. તેમની ભારત મુલાકાત આજે પણ અહીં પ્રતીક તરીકે છે, કારણ કે અહીંના એક ગામનું નામ કાર્ટરના નામ પરથી ‘કાર્ટરપુરી’ રાખવામાં આવ્યું હતું.

કાર્ટરને ભારતના નજદીકના મિત્ર માનવામાં આવતા હતા. ઇમરજન્સી અને 1977માં જનતા પાર્ટીની જીત પછી ભારતની મુલાકાત લેનારા તેઓ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ હતા. 2 જાન્યુઆરી, 1978ના રોજ ભારતીય સંસદને સંબોધતા, કાર્ટરે સરમુખત્યારશાહી શાસન સામે અવાજ ઉઠાવ્યો હતો.

કાર્ટર સેન્ટર અનુસાર, 3 જાન્યુઆરી, 1978ના રોજ, કાર્ટર અને પછી ફર્સ્ટ લેડી રોઝલિન કાર્ટર નવી દિલ્હીથી એક કલાક દૂર આવેલા હરિયાણાના દૌલતપુર-નસીરાબાદની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત એટલી સફળ રહી કે, તરત જ ગામના રહેવાસીઓએ આ વિસ્તારનું નામ ‘કાર્ટરપુરી’ રાખી લીધું અને પ્રમુખ કાર્ટરના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસ સાથે સંપર્કમાં રહ્યા. જ્યારે રાષ્ટ્રપતિ કાર્ટરને 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો ત્યારે આ ગામમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

તેઓ ભારતની મુલાકાત લેનારા ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ હતા અને ભારત સાથે અંગત સંબંધો ધરાવતા એકમાત્ર રાષ્ટ્રપતિ હતા. તેમની માતા, લિલિયન, 1960ના દાયકાના અંતમાં પીસ કોર્પ્સ સાથે ભારતમાં સ્વાસ્થ્ય સ્વયંસેવક તરીકે કામ કરતા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, કાર્ટર 1977થી 1981 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. 1 ઓક્ટોબર, 1924ના રોજ જન્મેલા કાર્ટરને 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કાર્ટર 1977માં R. ફોર્ડને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. આ સમય દરમિયાન, તેમણે મધ્ય પૂર્વ સાથે અમેરિકાના સંબંધોનો પાયો નાખ્યો.

કાર્ટરે ઓફિસમાં અને ઓફિસની બહાર બંને જગ્યાએ શાંતિ અને માનવતાવાદી કારણો માટે અથાક કામ કરીને પોતાનો વારસો બનાવ્યો. તેમણે 1978માં ઐતિહાસિક કેમ્પ ડેવિડ સમજૂતીમાં દલાલી કરી, જેણે મધ્ય પૂર્વમાં શાંતિ માટે એક માળખું બનાવ્યું અને તે ઇઝરાયેલ-ઇજિપ્ત શાંતિ સમજૂતી તરફ ગયા હતા. આ કારણે જ તેમને આંતરરાષ્ટ્રીય શાંતિ, લોકશાહી અને માનવ અધિકારોને આગળ વધારવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.