UPના શામલી જિલ્લામાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટર નિધિ પાંડેનો લાંચ માંગવાનો વીડિયો વાયરલ થયા પછી સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી હેડક્વાર્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. વાયરલ વીડિયોમાં તે કોઈપણ ગભરાટ વગર કેમિસ્ટ પાસેથી લાંચ માંગતી જોવા મળી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડ્રગ્સ ઇન્સ્પેક્ટર નિધિ પાંડેની આ પહેલી પોસ્ટિંગ હતી. તાજેતરમાં તેમણે એક મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રિપોર્ટમાં OK દાખલ કરવાના નામે લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારે કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો વાયરલ થતાં સરકારે ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે નિધિ પાંડે મેડિકલ સંચાલકને કહી રહી છે, ‘બારગેરીંગ ન કર, તમારે દુકાન ચલાવવી છે કે નહીં, જો તમારે ચલાવવી હોય તો જે પૈસા કહેવામાં આવ્યા છે તે નીકાળ. નહીંતર તારી દુકાનમાં એટલી બધી ખામીઓ છે, સીધી FIR દાખલ કરવામાં આવશે. હવે તું ખુદ જોઈ લે.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રકારના નિધિ પાંડેના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેના કારણે કેમિસ્ટ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેની સામે ઘણા સમયથી ફરિયાદો પણ થઈ રહી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ રહી ન હતી.
અહીં તમને જણાવી દઈએ કે, નિધિ પાંડેને સસ્પેન્ડ કરવા અંગે મુખ્ય સચિવ P. ગુરુપ્રસાદ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અહીંયા પ્રથમ દૃષ્ટિએ લાંચ માટે સોદાબાજી, ધમકી, ડ્રગ ડીલરને હેરાન કરવા અને ડ્રગના વેપારને ગેરકાયદેસર રીતે ચલાવવામાં તેમની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે, જે ગંભીર ગેરવર્તણૂક છે અને ભ્રષ્ટાચાર સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
હાલમાં, નિધિ પાંડેને ઉત્તર પ્રદેશ સરકારી સેવક નિયમો 1999ના નિયમ 4 હેઠળ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને તે નિયમોના નિયમ 7 હેઠળ તેમની સામે વિભાગીય શિસ્તની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપોની તપાસ માટે સહાયક કમિશનર (ડ્રગ્સ), મુરાદાબાદ મંડળને તપાસ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
બીજી તરફ ડ્રગ્સ ઈન્સપેક્ટર નિધિ પાંડેને સસ્પેન્ડ કર્યા પછી શામલીના કેમિસ્ટોમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે. સોમવારે બપોરે ડ્રગની દુકાનના માલિકોએ હનુમાન ધામમાં બાબા બજરંગબલીના દર્શન કરીને ઢોલ પણ વગાડ્યા હતા, જેમાં કેટલાક દુકાન માલિકો નાચતા પણ જોવા મળ્યા હતા. કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ દેવરાજ સિંહ મલિકે ભ્રષ્ટાચાર સામે અસરકારક પગલાં લેવા બદલ શામલી જિલ્લા મેજિસ્ટ્રેટ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
આ સમગ્ર મામલે ADM પરમાનંદ ઝા કહે છે કે, DM સાહેબે તપાસ માટે ત્રણ અધિકારીઓની ટીમ બનાવી હતી. વાયરલ વીડિયોના આધારે મેડિકલ સ્ટોરના માલિક અનીસ અન્સારી સાથે વાત કરવામાં આવી હતી, જેની દુકાનમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટરે દરોડો પાડ્યો હતો. અનીસના નિવેદન અને તપાસ પછી DM દ્વારા નિધિ પાંડેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.