સુપ્રીમ કોર્ટે આજે પંજાબ સરકારને ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની વેકેશન બેંચે પંજાબના મુખ્ય સચિવ અને DGP વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર આગામી સુનાવણી 2 જાન્યુઆરી, 2025 પર મુલતવી રાખી છે.
પંજાબના AG ગુરમિંદર સિંહે કોર્ટને જણાવ્યું કે, ગઈકાલે પંજાબ બંધ હતું. જેના કારણે અવર જવર બંધ હતી. આ સિવાય એક મધ્યસ્થીએ એક અરજી પણ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, જો યુનિયન હસ્તક્ષેપ કરે તો ડલ્લેવાલ વાતચીત માટે તૈયાર છે. આ પછી સુપ્રીમ કોર્ટે સમય માંગતી અરજી સ્વીકારી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, ‘વાટાઘાટો વિશે શું ચાલી રહ્યું છે તેના પર અમે કોઈ ટિપ્પણી કરીશું નહીં. જો એવું કંઈક થાય જે તમામ પક્ષોને સ્વીકાર્ય હોય, તો અમને પણ એટલી જ ખુશી થશે. અત્યારે અમને ફક્ત અમારા આદેશોનું પાલન કરાવવાની ચિંતા છે.’ જસ્ટિસ સૂર્યકાન્તે વધુમાં કહ્યું હતું કે, ડલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે સામેવાળાએ ત્રણ દિવસનો સમય માંગ્યો છે. એડવોકેટ જનરલે પણ કેટલાક મૌખિક મુદ્દા બતાવ્યા છે. આ જોતાં ડલ્લેવાલને દાખલ કરવાનો અમલ કરવા માટે થોડો વધુ સમય આપવાની અરજી મંજૂર કરવામાં આવી છે. બેંચે પંજાબના મુખ્ય સચિવ અને DGPને આગામી સુનાવણીની તારીખે વર્ચ્યુઅલ રીતે હાજર રહેવા જણાવ્યું છે.
28 ડિસેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે મૌખિક રીતે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, તે પંજાબ સરકારના મુખ્ય સચિવ અને DGP પંજાબ દ્વારા ડલ્લેવાલના હોસ્પિટલમાં દાખલ થવા અંગે આપેલા અહેવાલથી બિલકુલ ખુશ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડલ્લેવાલ 26 નવેમ્બરથી ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ પર છે અને કેન્દ્ર સરકાર પાસે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિત ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાની માંગ કરી રહ્યા છે. ડલ્લેવાલ કેન્સરના દર્દી હોવા ઉપરાંત બીજી ઘણી બીમારીઓથી પીડિત છે.
કોર્ટે શુક્રવારે ડલ્લેવાલના જીવન અને સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પંજાબ સરકારને તેમને તબીબી સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે ડલ્લેવાલને તબીબી સહાય પૂરી પાડવા અંગે સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન ન કરવા બદલ પંજાબના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સામે દાખલ કરવામાં આવેલી તિરસ્કારની અરજી પર પંજાબ સરકારને નોટિસ મોકલી આપી હતી.