fbpx

શું ગોવા નથી આવી રહ્યા પ્રવાસીઓ, ગોવાના CM કોના પર ભડક્યા?

પ્રવાસન ક્ષેત્રે આજકાલ એક જ ચર્ચા ચાલે છે કે, ગોવાથી ટુરિસ્ટો દૂર ભાગી રહ્યા છે અને ગોવા ખાલી થઈ ગયું છે. આ અંગે ગોવાના મુખ્યમંત્રીનું અલગ કહેવું છે. ગોવાના CM પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, અમુક ઇન્ફ્લુઅન્સરો સોશિયલ મીડિયા પર કહે છે કે ટુરિસ્ટ ગોવા નથી આવી રહ્યા અને બીજી જગ્યાએ જઈ રહ્યા છે. તેઓ ખોટું કરી રહ્યા છે. એ લોકો ગોવા વિશે ખોટો સંદેશ આપી રહ્યા છે. હું એમને કહેવા માગું છું કે, તેમણે પોતે આવીને આ જગ્યાઓ જોવી જોઈએ.

CM પ્રમોદ સાવંતે કહ્યું કે, ગોવાની તમામ હોટેલ, બીચ લોકોથી ભરેલા છે. હું આખા દેશથી ગોવા આવેલા લોકોનું સ્વાગત કરું છું. ડિસેમ્બરનો મહિનો ગોવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. હંમેશાંની જેમ આંતરરાષ્ટ્રીય તહેવારોને લઈને ક્રિસમસ અને 31 ડિસેમ્બર સુધી કેટલાય તહેવારો ધામધૂમથી ઉજવાય છે. ગોવામાં નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પ્રવાસીઓ વધુ હોય છે. અહિયાની તમામ હોટેલ ભરેલી છે અને મને લાગે છે કે, ગોવાની તમામ ફ્લાઇટ્સ બૂક થઈ ચૂકી છે.

નવું વર્ષ, એટલે રજાનો સમયગાળો. આ રજાઓ દરમિયાન, શક્ય છે કે તમે ક્યાંક ફરવા જવાનું આયોજન કરી રહ્યાં હોવ (નોકરીમાંથી રજા નથી મળતી, તેથી ફરવા નથી જઈ રહ્યા? કોઈ વાંધો નહીં, આવું થતું રહેતું હોય છે!). આવું જ એક ફરવા લાયક અને જોવાલાયક સ્થળ છે ગોવા. ઘણા લોકો તેને ‘પર્યટન રાજધાની’ પણ કહે છે. પરંતુ સમાચાર એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વિદેશી પ્રવાસીઓ અને વધુ ખર્ચ કરનારા પ્રવાસીઓ મોટે ભાગે અહીં નથી આવી રહ્યા. આવું કહેવું છે, કે જેઓ ગોવામાં દરિયા કિનારે ઝૂંપડીઓ બાંધતા હોય છે.

ગોવાના પ્રવાસન વિભાગે ઓગસ્ટ 2024માં દરિયા કિનારે હંગામી ઝૂંપડીઓ બનાવવાનું લાયસન્સ બહાર પાડ્યું હતું. આ ઝૂંપડીઓ સામાન્ય રીતે વાંસ, લાકડાના થાંભલા અને તાડના પાંદડા જેવી પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. સરકાર ગોવાના બેરોજગાર લોકોને 1 સપ્ટેમ્બરથી 31 મે સુધી ‘પીક ટૂરિસ્ટ સિઝન’ દરમિયાન બીચ પર આ કામચલાઉ ઝૂંપડીઓ ચલાવવાની મંજૂરી આપે છે.

પરંતુ ઝૂંપડી બાંધનારા માલિકોનું કહેવું છે કે, આ લાયસન્સ હોવા છતાં, દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રમાણમાં ઓછા લોકો ઝૂંપડામાં રહે છે. ગોવા શેક ઓનર્સ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ ક્રુઝ કાર્ડોઝોએ પણ આ અંગે મીડિયા સૂત્રો સાથે વાત કરી હતી. આ વાતચીતમાં તેણે જણાવ્યું કે, ‘પહેલા ક્રિસમસનો સમય ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. અમને વધુ પ્રવાસીઓની અપેક્ષા હતી… જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ હજુ પણ તે પહેલા જેવું નથી. ઓઝરન બીચ પર, ઓક્યુપન્સી માત્ર 30 ટકાની આસપાસ છે. લોકો કદાચ થાઈલેન્ડ, શ્રીલંકા અને વિયેતનામ જવાનું પસંદ કરી રહ્યા છે, જે પ્રમાણમાં સસ્તી જગ્યાઓ છે. પરંતુ આ ચિંતાજનક છે.’

અગાઉ ગોવાની આ ઝૂંપડીઓ વિદેશી પ્રવાસીઓથી ધમધમતી હતી. પરંતુ ક્રુઝ કાર્ડોઝો કહે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ‘ડોમેસ્ટિક ટુરિસ્ટ’ની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ સ્થાનિક પ્રવાસીઓની સમસ્યા એ છે કે કેટલાક પ્રવાસીઓ અન્ય રાજ્યોમાંથી જીપમાં ગોવા આવે છે. તેઓ હોટેલ બુક કરાવતા નથી અને બીચ પર એક દિવસ વિતાવ્યા પછી નીકળી જાય છે. તેથી જ અમને તેમની પાસેથી વધુ બિઝનેસ મળતો નથી.

GSOWSના પ્રમુખ ક્રુઝ કાર્ડોઝોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસી દૃષ્ટિકોણથી ગોવામાં 2021ની સિઝન શાનદાર રહી હતી. કારણ કે રોગચાળા સંબંધિત પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. પરંતુ પછીના વર્ષોમાં આ સંખ્યા ધીરે ધીરે ઓછી થતી ગઈ. ઓજરન બીચ ગોવામાં ફરવા માટેના મુખ્ય સ્થળોમાંનું એક છે. અહીં ‘લકી ઝોપડી’ ચલાવતા શ્રીધરે મીડિયા સૂત્રને કહ્યું, ‘હવે બહુ ઓછા વિદેશી પ્રવાસીઓ અહીં આવે છે. મેં 30 ડિસેમ્બરે માત્ર 1,000 રૂપિયા કમાયા. જો આમ ચાલુ રહેશે તો અમને નુકસાન થશે.’

જો કે, કેટલાક ઝૂંપડાના માલિકોનું કહેવું છે કે ‘કેટલાક પ્રભાવકો’ સોશિયલ મીડિયા પર ગોવા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. કેન્ડોલિમમાં આવી જ એક ઝૂંપડીના માલિક સેબેસ્ટિયન ડિસોઝાએ જણાવ્યું હતું કે, જો કે, સિઝનની શરૂઆતમાં ધંધો ધીમો હતો, પરંતુ નવા વર્ષની ઉજવણી સાથે લોકોની સંખ્યામાં વધારો થયો છે અને હવે લોકો બરાબર આવી રહ્યા છે. કેટલાક યુટ્યુબર્સ અને પ્રભાવકો ગોવાને બદનામ કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ થાઈલેન્ડ, મલેશિયા, વિયેતનામ અને શ્રીલંકા જેવા સ્થળોનો પ્રચાર કરી રહ્યા છે.

જ્યારે, ઘણા વર્ષોથી ઝૂંપડાના માલિકોની કલ્યાણ સોસાયટી સાથે જોડાયેલા જોન લોબો કહે છે કે, ‘ગોવાએ વધુ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરીને પ્રવાસીઓને આકર્ષવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આ માટે દરિયાકિનારા પર સારા શૌચાલય, ચેન્જિંગ રૂમ, વીજળી અને રસ્તા જેવી સારી સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ.’

Leave a Reply